Western Times News

Gujarati News

કિરીટ સોલંકીના પુત્રના ઘરમાં ૯.૯ લાખની ચોરી

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં ચોરીની અલગ જ ઘટના સામે આવી છે. વાત એમ છે કે એક રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેનના ઘરમાં ૯.૯૦ લાખની ચોરી થઈ હતી. આ બિઝનેસમેન અન્ય કોઈ નહીં પણ ભાજપના સાંસદ કિરીટ સોલંકીના પુત્ર છે. આ ચોરી સામાન્ય રીતે નહીં પણ ડિજિટલ લોકરના મેન્યુલ કીના સ્ક્રૂ ખોલીને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, લોકરનો પાસવર્ડ બિઝનેસમેન, તેમના પત્ની અને ઘરઘાટી જ જાણતા હોવાથી તેમના પ્રત્યેની શંકાઓ પ્રબળ બનતા તેઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બંને ઘરઘાટી બહેનોની ધરપકડ કરી છે. હવે સાંસદના ઘરમાં જ ચોરી થતા નેતાઓ પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું એવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. રાણીપમાં ૯.૯૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે બે યુવતીઓની ધરપકડ કરી છે. ર્કિતન સોસાયટીના ચીરાગ બંગલોમાં રહેતા મેહુલ કિરીટભાઈ કાલરીયા રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમના પિતા કિરીટ સોલંકી ભાજપના કદાવર નેતા છે. મેહુલભાઈના પત્નીએ કેટલાય સમયથી તેમના ઘરમાં ડિજિટલ લોકરમાં તેમના લાખોની મતાના દાગીના મૂક્યા હતા. ડિજિટલ લોકરનું સેટિંગ બગડતા તેઓ ચાવીથી મેન્યુઅલી ઓપરેટ કરતા હતા.

આ લોકરની ચાવી તેઓએ કબાટમાં મૂકી હતી અને તેની જાણ મેહુલભાઈ અને તેમના પત્ની તથા ઘરઘાટી બે બહેનોને હતી. બાદમાં લોકર રિપેર કરવા માટે એક વ્યક્તિ આવ્યો હતો. જેણે નવું સેટિંગ કરી આપી બાદમાં તેનો નવો પાસવર્ડ પણ મેહુલભાઈએ નાખ્યો હતો અને ચાવીઓ કબાટમાં મૂકી દીધી હતી. બાદમાં ૫મી જુલાઈના રોજ માલુમ પડ્યું કે તેમના લોકરમાંથી દાગીના ગાયબ છે.

જેથી તપાસ કરી તો લોકરના મેન્યુઅલ ઓપરેટની પ્લેટના સ્ક્રૂ ખુલ્લા હતા. જેથી સીધી શંકા ઘરઘાટી જયા વાઘેલા અને તેની બહેન રિટા વાઘેલા પર ઉપજી હતી. બંનેની પૂછપરછ કરતા જવાબ ન આપતા આખરે બંને બહેનો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે જયા વાઘેલા અને રિટા વાઘેલાની ધરપકડ કરી છે. બંને બહેનો હજુય ગુનો કર્યો હોવાની કબૂલાત કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.