Western Times News

Gujarati News

અરવલ્લીમાં સૌપ્રથમ વાર જોવા મળ્યો બ્લેક હેડેડ રોયલ સ્નેક નામનો સાપ

રણ પ્રદેશમાં જોવા મળતા સાપથી વનવિભાગ, જીવદયા પ્રેમીઓમાં કુતુહલ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રણ વિસ્તાર અને ઝાડી-ઝાંખરા વિસ્તારોમાં જોવા મળતો અને રજવાડી સાપનું ઉપનામ ધરાવતો બ્લેક હેડેડ રોયલ સ્નેક નામનો સાપ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કાબોલા ગામ પાસે આવેલી ફેક્ટરી નજીક રહેલા ઝાડ પર ચઢતો જોવા મળતા લોકોમાં ભય સાથે કુતુહુલ સર્જાયું હતું આ અંગેની જાણ દયા ફાઉન્ડેશનના સદસ્યોને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વનવિભાગ તંત્ર સાથે મળી સફળ રેસ્કયુ ઓપરેશન કરી સાપને ઝડપી પાડવામાં આવ્યો હતો જીલ્લામાં સૌપ્રથમ વાર જોવા મળેલ રજવાડી સાપને જીલ્લા એસીએફ મિતેષ પટેલને સોંપી દીધો હતો સાપની આ પ્રજાતિ બિનઝેરી હોવાનું જણાવ્યું હતું.

અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ અને જંગલમાં અનેક પ્રકારના વન્યજીવ અને સરીસૃપ પ્રાણીઓ મળી આવતા હોય છે વરસાદી માહોલમાં અજગર અને સાપ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારે મોડાસા તાલુકાના કાબોલા ગામ નજીક બ્લેક હેડેડ રોયલ સ્નેક નામનો સાપ જોવા મળતા લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું સૌપ્રથમ વાર રાખોડી કલરના સાપ ને જોઈ લોકોમાં ભય ફેલાયો હતો આ અંગે જાગૃત નાગરિકોએ દયા ફાઉન્ડેશનનો સંપર્ક કરતા દયા ફાઉન્ડેશન અને વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્લેક હેડેડ રોયલ સ્નેક સાપ હોવાની જાણ થતા સાપને ઝાડ પરથી રેસ્ક્યુ કરી ઉતારી લઈ જીલ્લા વનવિભાગ તંત્રને સુપ્રત કર્યો હતો.

જીલ્લા વનવિભાગના એસીએફ મીતેશ પટેલના જણાવ્યા અનુસાર, બ્લેક હેડેડ રોયલ સ્નેક રણ વિસ્તારમાં જોવા મળતો હોય છે અને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સૌપ્રથમ વાર રજવાડી સાપ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું અને આ સાપની લંબાઈ ૭ થી ૮ ફૂટ હોય છે અને બિનઝેરી હોવાથી લોકોને કોઈ ખતરો રહેતો નથી કાબોલા નજીકથી મળી આવેલ બ્લેક હેડેડ રોયલ સ્નેકની લંબાઈ માપતા ૪.૮ ઇંચ હોવાનું જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.