Western Times News

Gujarati News

રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મહિલાના દાગીનાની ચોરી

અમદાવાદ: રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને દાગીના લૂંટતી ટોળકી ફરી સક્રિય થઈ છે. આ વખતે એક મહિલા તેનો ભોગ બની છે. એક મહિલા રિક્ષામાં બેઠી ત્યારે ત્રણ લોકો હોવા છતાં એક પેસેન્જરને ચાલકે રિક્ષામાં બેસાડ્યો હતો. આ પેસેન્જરે આ મહિલાને વારંવાર ધક્કા માર્યા હતા. બાદમાં તે વચ્ચે ઉતરી ગયો હતો. જ્યારે મહિલા તેના સ્થળ પર ઉતરી ત્યારે ભાડું આપતી હતી ત્યારે ચાલક ભાડું લીધા વગર જ નાસી ગયો હતો.

જેથી કંઈક થયું હોય તેવું લાગ્યું અને મહિલાએ તપાસ કરી તો તેના દાગીના ગળામાંથી ગાયબ હતા. સમગ્ર મામલે કાલુપુર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડામાં રહેતા સવિતાબહેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. એકતરફ લાૅકડાઉનને કારણે તેમના દીકરાની નોકરી છૂટી ગઈ ત્યાં બીજીતરફ તેઓ લૂંટાયા હોવાની ઘટના તેમની સાથે બની છે.

જેથી તેમની પાસે પેન્ડન્ટ વાળી સોનાની ચેઇન હતી તે તેઓ માણેકચોક વેચવા ગયા હતા. ત્યારે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેમની સાથે રિક્ષામાં એક મહિલા અને એક પુરુષ હતો બાદમાં સારંગપુરથી એક અન્ય પેસેન્જરને ચાલકે બેસાડ્યો હતો. બાદમાં આ પેસેન્જર વચ્ચે ઉતરી ગયો હતો. કાલુપુર પોલીસસ્ટેશન પાસે આ મહિલાને ઉતરવાનું હોવાથી તેને રિક્ષા ઉભી રખાવી અને ભાડું આપવા જતા હતા

ત્યાં ચાલક રિક્ષા પુરઝડપે ભગાવી ફરાર થઈ ગયો હતો. આગળ મોબાઈલ દુકાનમાં આ સવિતાબહેન ગયા ત્યારે ગળામાં પેન્ડન્ટવાળી ચેઇન ન દેખાતા તેઓ લૂંટાયા હોવાનું માલુમ પડ્યું હતું. આખરે કાલુપુર પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખશે રિક્ષા ચાલક સાથે મળીને જ આ લૂંટ કરી હોવાનું પોલીસ માની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.