Western Times News

Gujarati News

૩૮ સરકારી કંપનીનું પીએમ ફંડમાં ૨૧૫૦ કરોડ રૂ.નું ફંડ

નવી દિલ્હી, મહારત્નથી લઈને નવરત્ન સુધીની દેશભરની કુલ ૩૮ સાર્વજનિક કંપનીઓ એટલે કે પીએસયુએ પીએમ કેર્સ ફંડમાં રૂપિયા ૨,૧૫૦ કરોડથી વધુનું દાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સ્બિલિટી અંતર્ગત કર્યું હોવાનો ખુલાસો એક સરકારી જવાબમાં કરાયો છે. એક અંગ્રેજી અખબાર દ્વારા આરટીઆઈ અંતર્ગત માગવામાં આવેલા માહિતી અધિકાર કાનૂન અંતર્ગત સરકારે પૂરા પાડેલા દસ્તાવેજોમાંથી આ જાણકારી મળી છે. રિપોર્ટ પ્રમાણે, ૨૮મી માર્ચે પીએમ કેર્સ ફંડનું ગઠન કર્યા બાદ ૧૩મી ઓગસ્ટ સુધીમાં ૩૮ પીએસયુએ મળીને પીએમ કેર્સ ફંડમાં ૨,૧૦૫.૩૮ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલું આ દાન ફરજિયાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કરવામાં આવ્યું છે.

પીએમ કેર્સ ફંડમાં સીએસઆર માટેની રાશિ પણ ડોનેટ કરી શકાય છે. નિયમ અનુસાર, સીએસઆર રાશિનો એ બાબતો માટે ખર્ચ કરવામાં આવે છે જેમાં લોકોને સામાજિક, આર્થિક, શૈક્ષણિક, નૈતિક અને સ્વાસ્થ્ય સંબંધી સુધારણાની જરૂર હોય તેમજ અનિવાર્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, પર્યાવરણ અને સાંસ્કૃતિક વિષયોને આગળ વધવામાં મદદરૂપ બની શકે તેમ હોય.

પીએસયુમાંથી મળેલા દસ્તાવેજોથી ખબર પડે છે કે આ કંપનીઓએ ૨૦૧૯-૨૦ના વર્ષ દરમિયાન સીએસઆર કાર્યો માટે જેટલું બજેટ ફાળવ્યું હતું તે બધું જ પીએમ કેર્સ ફંડમાં આપી દીધું છે. કેટલીક કંપનીઓએ તો ૨૦૨૦-૨૧ માટેનું ફંડ પણ અત્યારે જ આપી દીધું છે. સૌથી વધુ જેણે ફંડ આપ્યું છે તેમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ રૂપિયા ૩૦૦ કરોડ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવ્યા છે. ઓએનજીસીએ ૨૦૨૦-૨૧ માટે સીએસઆર કાર્ય હજુ સુધી નિર્ધારિત કર્યાં નથી. એજ રીતે એચપીસીએલ કંપનીએ પણ સીએસઆરમાંથી રૂપિયા ૧૨૦ કરોડનું ફંડ આપી દીધું છે.

પાવર ફાઈનાન્સ કોર્પોરેશને પણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સીએસઆર એક્ટિવિટીઝ માટે જે બજેટ ફાળવ્યું તેના કરતાં પણ વધારે ફંડ પીએમ કેર્સમાં જમા કરાવી દીધું છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશનને રૂપિયા ૨૦૦ કરોડ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવ્યા છે. હકીકતમાં, તેનું વાર્ષિક સીએસઆર બજેટ રૂપિયા ૧૫૦.૨૮ કરોડ જ છે. ઓઆઈએલ ઈન્ડિયા લિમિટેડના જણાવ્યા પ્રમાણે તેણે રૂપિયા ૩૮ કરોડનું યોગદાન આપ્યું છે. પાવર ગ્રીડ કોર્પોરેશને રૂપિયા ૨૦૦ કરોડનું અનુદાન આપ્યું છે. મંગળવારે સુપ્રીમે પીએમ કેર્સ ફંડને મળેલી ધનરાશિને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, પીએમ કેર્સ ફંડમાંથી એનડીઆરએફને નાણાં ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.