આતંકવાદી અબૂ યુસુફને ઝડપી પાડતી દિલ્હી પોલીસ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ધૌલાકુંવા વિસ્તારમાં ગત રાતે એન્કાઉન્ટરમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શકમંદ આતંકીનું નામ અબૂ યુસૂફ છે. અબૂ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગત રાત્રે ધૌલાકુંવાથી કરોલ બાગને જોડતા રિજ રોડ પાસે એન્કાઉન્ટર બાદ આ આંતકવાદીની ધરપકડ કરી હતી.
તેની પાસેથી બે આઈઈડી અને એક પિસ્ટલ મળી આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે ધૌલાકુંવા પાસે એક આતંકવાદી દિલ્હીને હચમચાવી દેવાના ઇરાદા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ધૌલાકુંવા ખાતે સંદિગ્ધને પકડવા પહોંચી હતી.
આ દરમિયાન શકમંદ આતંકીએ ફાયરિંગ કર્યું હતું. બંને તરફ થયેલા ફાયરિંગ બાદ આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
સ્પેશિયલ સેલના ડીજીપી પ્રમોદ કુશવાહના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો છે. વ્યક્તિનું નામ અબૂ યુસૂફ છે. આતંકી પાસેથી બે આઈઈડી અને એક પિસ્ટલ મળી આવી છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે આતંકવાદી દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતો. આતંકીએ અનેક જગ્યાની રેકી કરી હતી. દિલ્હી પોલીસે આતંકીની પૂછફરછ બાદ અનેક જગ્યાએ દરોડા કરવાના શરૂ કર્યા છે.