Western Times News

Gujarati News

કાપડ મહાજનના વર્ચ્યુઅલ એક્ઝિબિશનનું ઇ-ઇનોગ્રેશન

૯૦ દિવસ ચાલનારૂં ફેબેક્ષા બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે: મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ફેબેક્ષાનું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન માટે પ્રોત્સાહનો તેમજ ટેક્ષટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઇવ એફની પ્રધાનમંત્રીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઊદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના ૩૩ ટકા કપાસ ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે.

૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલની જે યાત્રા શરૂ થઇ હતી તે આજે વિકસીને ૩પ લાખ સ્પીન્ડલ સુધી પહોચી ગઇ છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વર્ચ્યુઅલ એકઝીબિશન છે તેમ જણાવતાં ફેબેક્ષાના આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ વર્ચ્યુઅલ એકઝીબિશન કોરોના પછીની આપણી બદલાતી જીવન શૈલીનું દ્યોતક છે.

વર્ચ્યુઅલ એકઝીબિશનમાં સમયનો કોઇ બાધ નથી એટલે ગમે ત્યારે ગ્રાહક-વ્યકિત પોતાની અનુકૂળતા મુજબ એકઝીબિશનની વર્ચ્યુઅલ વિઝીટ લઇ શકે છે. ૧૦૦થી વધુ એકઝીબિટર્સ આ પ્રદર્શનીમાં સહભાગી થયા છે. સતત ૯૦ દિવસ ચાલનારૂં આ એકઝીબિશન એકઝીબિટર્સ-બાયર્સ-સેલર્સ બધા માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારૂં છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ટેક્ષટાઇલ સહિતના ઊદ્યોગો માટે સાનુકુલ વાતાવરણ છે. એટલું જ નહિ, પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓર્પાચ્યુનિટી બન્યું છે.

વિજય રૂપાણીએ ટેક્ષટાઇલ ઊદ્યોગનો મોટો વર્ગ એમએસએમઈ સાથે સંકળાયેલો છે તેનો ઉલ્લેખ કરતાં રાજ્ય સરકારે એમએસએમઈ માટે આપેલા પ્રોત્સાહનો, પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ તેમજ રિકમન્ડેશન નહિ, રિફોર્મના રવૈયાથી ઊદ્યોગોને અનુકૂળ માહૌલ ઊભો કર્યો છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, લેબર રિફોર્મ્‌સ તથા લેબર ઇન્ફ્રાસ્ટ્રકચર અને પોલિટીકલ સ્ટેબિલીટી, ગુડ ગર્વનન્સને પરિણામે ગુજરાતમાં ઊદ્યોગ-વેપારને નવી દિશા મળી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.