Western Times News

Gujarati News

તા. ૨૯ થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદની શકયતા

ગાંધીનગર ખાતેથી વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ

રાજયમાં આગામી દિવસોમાં વરસાદ ઘટવાની શકયતા:  હવામાન વિભાગ

 રાજ્યમાં કુલ-૧૩૬ જળાશય હાઇ એલર્ટ ઉ૫ર, ૧૬ જળાશય એલર્ટ તથા ૧૨ જળાશય વોર્નિંગ ઉપર  રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૭.૭૪% વાવેતર

રાહત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે તા. ૨૯ થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શકયતા વ્યક્ત કરી છે. તેની સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ શક્યતા દર્શાવી છે.


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર દ્રારા તમામ અધિકારીશ્રીઓને ઓનલાઈન આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૯૩ તાલુકાઓમાં ૧ મી.મી. થી લઇ ૪૮ મી.મી. સુધી વરસાદ નોંધાયેલ છે. કચ્છ જિલ્લાના લખ૫ત તાલુકામાં સૌથી વધુ ૪૮ મી.મી. વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૫/૦૮/૨૦૨૦ અંતિત ૮૮૭.૩૬ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની સરેરાશ ૮૩૧ મી.મી. ની સરખામણીએ ૧૦૬.૭૮% છે.

અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે કે, આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વરસાદ ઘટવાની શકયતા છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ હળવો કે નહિવત રહેશે. બંગાળની ખાડીના ઉતરી ભાગમાં હળવુ દબાણ તેમજ ઉત્તર-૫શ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયકલોનીક સરકયુલેશન ઉ૫રાંત દક્ષિણ-૫શ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક બીજુ હળવુ દબાણ બનવાથી તા.૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી દેવભુમી દ્વારકા ઉ૫રાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, ચાલુ વર્ષે તા.૨૪/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૨.૯૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૭૯.૭૦ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૭.૭૪% વાવેતર થયુ છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં ૨,૩૨,૭૧૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૬૯.૬૬% છે. તેમજ રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૭૪.૮૯% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૩૬ જળાશય, એલર્ટ ૫ર કુલ-૧૬ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૧૨ જળાશય છે.

આગામી સપ્તાહમાં તા.૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી હોઇ તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા શ્રી હર્ષદ પટેલે સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.