Western Times News

Gujarati News

૨૦૧૯-૨૦માં ૨૦૦૦ની એકપણ નોટ છાપી નથી

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂપિયા ૨,૦૦૦ની એકપણ નોટ છાપી નથી. આ દરમિયાન રૂપિયા ૨,૦૦૦ની નોટનું સર્ક્યુલેશન પણ ઘટ્યું છે. આરબીઆઈના ૨૦૧૯-૨૦ના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ચલણમાં હાજર રૂપિયા ૨,૦૦૦ની નોટની સંખ્યા ૩૩,૬૩૨ લાખ હતી જે માર્ચ ૨૦૧૯ના અંત સુધીમાં ઘટીને ૩૨,૯૧૦ લાખ પર આવી ગઈ.

માર્ચ ૨૦૨૦ના અંત સુધી ચલણમાં હાજર રૂપિયા ૨,૦૦૦ની નોટની સંખ્યા વધુ ઘટીને ૨૭,૩૯૮ લાખ પર આવી ગઈ. રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૦ સુધીના આંકડા મુજબ, ૨૦૦૦ રૂપિયાની નોટો દેશમાં ફરતા કુલ ચલણના ૨.૪% જેટલી હતી. આ પહેલા ૨૦૧૯માં આ આંકડો ૩% હતો. માર્ચ ૨૦૧૮ની વાત કરીએ તો તે આંકડો ૩.૩% હતો. એટલે કે, ૨૦૦૦ રૂપિયાની નોટ્‌સનું ચલણ દર વર્ષે ઘટતું જોવા મળ્યું છે.

આંકડાઓ અનુસાર માર્ચ ૨૦૨૦ સુધી ચલણમાં હાજર કુલ નોટના મૂલ્યમાં રૂપિયા ૨,૦૦૦ની નોટનો હિસ્સો ઘટીને ૨૨.૬% રહી ગયો. જે માર્ચ ૨૦૧૯ના અંત સુધી ૩૧.૨% અને માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ૩૭.૩% હતો. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૮થી ૩ વર્ષ દરમિયાન રૂપિયા ૫૦૦ અને ૨૦૦ની નોટના સર્ક્યુલેશનમાં ઉલ્લેખનીય વધારો થયો છે. મૂલ્ય અને માત્રા એમ બંને હિસાબથી રૂપિયા ૫૦૦ અને ૨૦૦ની નોટનું સર્ક્યુલેશન વધ્યું છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯-૨૦માં રૂપિયા ૨,૦૦૦ની ચલણી નોટ છાપવા માટે કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી.

રિઝર્વ બેંકે જણાવ્યું કે ૨૦૧૯-૨૦માં રૂપિયા ૫૦૦ની ૧,૪૬૩ કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯-૨૦માં બેંકિગ ક્ષેત્રે પકડાયેલી નકલી નોટમાંથી ૪.૬% નોટ રિઝર્વ બેંકના સ્તરે પકડાઈ. જ્યારે ૯૫.૪% નકલી નોટની જાણકારી અન્ય બેંકોના સ્તરે મળી. કુલ મળીને ૨૯૬૬૯૫ નકલી નોટ પકડાઈ છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.