Western Times News

Latest News from Gujarat

પરિવાર માટે વરસાદ આફત બન્યો જંબુસર ગામે મકાન ધરાશાયી થતાં બે સગી બહેનોના કાટમાળ નીચે દબાતા મોત.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે મકાન ધરાશાયી થવાની અનેક ઘટના બને છે.ત્યારે જંબુસરમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં બે બાળકીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જંબુસર તાલુકાના નોંધણા ગામે સ્થાનિક પંચાયતમાં કામ કરતા અર્જુનભાઈ પરમારના મકાનની કોમન વોલ એકાએક ધરાશાયી થતા આખું મકાન જ બેસી ગયું હતું.

જેમાં તેમની બે દીકરીઓ પૈકી ૧૩ વર્ષની હિના પરમાર અને ૧૨ વર્ષની વૈશાલી પરમાર દબાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથધરી બંને બહેનોને કાટમાળ માંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં તબીબોએ બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામે મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી.તો બે સગી બહેનોના મોત નીપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.પરિવાર માટે વરસાદ આફત બનીને આવ્યો હતો અને બે-બે દીકરીઓને છીનવી લેતા હ્રદયદ્રાવક દ્રશ્યો દેખાયા હતા.આ બનાવ અંગે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
Copyright © All rights reserved. | Developed by Aneri Developers