Western Times News

Latest News from Gujarat India

‘અમૂલ’ પ્રોડકટસની ગેરકાયદે નિકાસ કરનાર બિનઅધિકૃત નિકાસકારોને દિલ્હી હાઈકોર્ટમાં પરાજય

પ્રતિકાત્મક

ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન) તેના દૂધ અને દૂધની પેદાશોની  નિકાસ કરતા મેસર્સ કેપીટલ વેન્ચર્સ  પ્રા. લિમિટેડ નામના એક નિકાસકારને ગેરકાયદે અને બિનઅધિકૃત રીતે નિકાસ કરતાં અટકાવવા અંગે કરેલા કેસમાં અમૂલની ખૂબ મોટી જીત થઈ છે.

દિલ્હી હાઈકોર્ટે દૂધ અને દૂધની પેદાશોની નિકાસમાં કસ્ટમ ઓથેરિટીઝને આવાં કન્સાઈનમેન્ટને મંજૂરી આપતાં પહેલાં તમામ નિકાસકારો પાસેથી એક્સપોર્ટ ઈન્સ્પેકશન કાઉન્સિલનાં જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીઓ માગવાનુ ફરજીયાત બનાવવા નિર્દેશ કર્યો છે.

અમૂલે તેમના એડવોકેટ શ્રી અભિષેક સિંઘ મારફતે નિકાસકાર મેસર્સ કેપીટલ વેન્ચર્સ  પ્રા. લિમિટેડ સામે  આ એકમ મારફતે અમૂલનાં ઉત્પાદનોની કરવામાં આવતી ગેરકાયદે નિકાસ રોકવા દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે અમૂલ ગુણવત્તાની ચકાસણી થાય તથા જરૂરી તમામ કાયદા, નિયમો અને નિયંત્રણોનુ પાલન થાય તે માટે  પોતાનાં ઉત્પાદનોની જાતે જ નિકાસ કરે છે

અને અગાઉથી ચકાસવાની જરૂર હોય તેવી તમામ વૈધાનિક બાબતોનુ કડક પાલન કરવા માગે છે અને કોઈ પણ નિકાસકાર મારફતે તેના દૂધ કે દૂધની પેદાશોની નિકાસ માટે છૂટ આપવા માગતી નથી. મેસર્સ કેપીટલ વેન્ચર્સ  પ્રા.  લિમિટેડે એ બાબત સ્વીકારી હતી કે તેની પાસે કોઈ વૈધાનિક મંજૂરી નથી અને તેણે બાંહેધરી આપી હતી

કે તે જરૂરી સર્ટિફિકેટસ અને મંજૂરી મેળવ્યા સિવાય દૂધ અને દૂધની પેદાશોની  નિકાસ કરશે નહી.  દિલ્હી હાઈકોર્ટે કસ્ટમ ઓથોરિટીઝને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે  દૂધનાં ઉત્પાદનોની નિકાસ (ગુણવત્તા નિયંત્રણ, ઈન્સપેકશન અને મોનિટરીંગ) રૂલ્સ  2,000 હેઠળ નિકાસના માટે  કન્સાઈનમેન્ટને છૂટ આપતાં પહેલાં  દૂધ અને દૂધની પેદાશોની નિકાસમાં,  નિકાસ કરનાર પાસેથી તમામ આવશ્યક સર્ટિફિકેટસ /મંજૂરીની  ફરજીયાત  માગણી કરવી.

આ હૂકમથી અમૂલને મોટી રાહત થઈ છે કારણ કે  ભારતની હદની  અંદર જ વેચવાનાં હોય તેવાં અમૂલનાં ઉત્પાદનોની  કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ કે મંજૂરી વગર જંગી બિનઅધિકૃત અને સમાંતર નિકાસ થઈ રહી હતી. અમૂલ વધુમાં જણાવે છે કે અમૂલનાં ઉત્પાદનોની નિકાસ કરતા હોય તેવા ઘણા નિકાસગૃહોનાં નામ તેને મળ્યાં છે.  અમૂલ આવી  બિનઅધિકૃત અને સમાંતર નિકાસ ધરમૂળથી દૂર કરવા  કસ્ટમ્સ એકટ હેઠળ આ રીતે નિકાસ કરતા નિકાસકારો કાનૂની કાર્યવાહીનાં પગલાં લેશે, જેની જોગવાઈઓ હેઠળ  3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers