Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના કેસોનો આંક ૩૫ લાખને પાર થયો

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૮,૭૬૧ કેસ-એક દિવસમાં સૌથી વધુ કેસોનો-અમેરિકાનો રેકોર્ડ તોડ્યો અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૬૩,૪૯૮ લોકોનાં મોત
નવી દિલ્હી,  છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે ૭૮,૭૬૧ કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે. આ સાથે સમગ્ર દેશમાં કોરોનાના ચેપગ્રસ્તોનો અત્યાર સુધીનો આંકડો ૩૫ લાખથી પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં જ્યારથી કોરોનાના કેસો નોંધાવા શરૂ થયા છે ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર આટલા બધા કેસો એકસાથે નોંધાયા છે. અગાઉ અમેરિકામાં ૧૭મી જૂને ૭૭,૬૩૮ કેસ નોંધાયા હતા

જે સમગ્ર દુનિયામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૮ દર્દીઓનાં મોત થયાં છે. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને ૬૩,૪૯૮ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૨૭ લાખ લોકો સાજા થયા છે. સરકારના દાવા પ્રમાણે કોરોનાથી રિકવરીનો રેટ ભારતમાં ૭૬.૬૦ ટકા છે.

ભારત દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કોરોના સૌથી ગંભીર રીતે ફેલાયો છે. ભારત પહેલાં પહેલા સ્થાને અમેરિકા અને બીજા સ્થાને બ્રાઝિલ છે. ચોથી ઓગસ્ટથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. ભારતને ૩૫ લાખ કેસ સુધી પહોંચતાં ૨૧૩ દિવસ થયા છે. છેલ્લા એક સપ્તાહમાં જ ભારતમાં કોરોનાના પાંચ લાખ કેસો એકાએક વધી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. આ પાંચેય રાજ્યોમાં સૌથી વધુ મોત પણ થયેલાં છે.

ઉલ્લેખનીય છે કે આટલી ગંભીર પરિસ્થિતિ છતાં સરકારે જાહેરમાં હરવાફરવા માટેની બધી છૂટછાટો આપી દીધી છે. શનિવારે દેશમાં ટ્રેન સહિતના પરિવહન માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે. સામાજિક, રાજકીય, એકેડેમિક, સ્પોર્ટ્‌સ, ધાર્મિક અને અન્ય કાર્યક્રમો માટે સરકારે મંજૂરી આપી દીધી છે. જોકે, તેમાં ૧૦૦થી વધુ માણસોને એકઠા થવાની પરવાનગી અપાશે નહીં. ૨૧મી સપ્ટેમ્બરથી આ નિયમો લાગુ થશે. સ્કૂલો, કોલેજો, સ્વીમીંગ પુલ અને ઈનડોર થિયેટરો બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.