Western Times News

Gujarati News

ભારતીય સેનાએ ઉત્તરાખંડમાં સાત દિવસમાં બ્રિજ ઊભો કર્યો

ભારત અને ચીન સરહદના છેલ્લા ગામો મિલાન તેમજ મુનસ્યારીને જોડતો બ્રિજ અત્યંત મહત્વપૂર્ણ મનાય છે
પિથૌરાગઢ, જે રીતે ચીનનું લશ્કર સતત સરહદ પર તણાવ વધારવાની કોશિશ કરી રહી છે ત્યારે ભારતીય સેના અને અર્ધસૈનિક દળની સાથે બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) રેકોર્ડ ટાઈમમાં પોતાનું કામ પૂરું કર્યું છે. હાલમાં જ બીઆરઓ દ્વારા ઉત્તરાખંડના પિથૌરગઢ જિલ્લામાં આવેલા મહત્વના પુલને એક જ અઠવાડિયાના રેકોર્ડ સમયમાં ઊભો કરી દીધો છે. પિથૌરાગઢની જિમિ વેલીમાં બનેલા બ્રિજને ૧૮ જુલાઈએ ભૂસ્ખલનના કારણે નુકસાન થયું હતું. જે બાદ બીઆરઓ દ્વારા રોકેટ ગતિએ કામગીરી કરવામાં આવી છે.

આ વેલી પર બનેલો બ્રિજ એટલા માટે મહત્વનો છે કારણ કે તે મુનસ્યારી અને મિલાનને જોડે છે. મિલાન ભારત ચીન સરહદ પર ભારતનું અંતિમ ગામ છે. ફરીથી બ્રિજ બની ગયા પછી તેને હળવા વાહનો માટે ખોલી દેવામાં આવ્યો છે. આ પહેલા જૂનમાં પણ આ રીતે આ રૂટ પરથી ભારે બુલડોઝર પસાર થઈ રહ્યું હતું ત્યારે બ્રિજ ધરાશાયી થયો હતો. તેને પણ બીઆરઓ દ્વારા રેકોર્ડ ૫ દિવસમાં તૈયાર કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારના બ્રિજ બનવામાં એક મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ હાલની સ્થિતિને જોતા તાબડતોબ બ્રિજને ઊભો કરાયો છે. ભારતીય સુરક્ષાદળો મુજબ ભલે ચીને એલએસી પર ૫૦,૦૦૦ સૈનિકોને તૈનાત કર્યા હોય પરંતુ તેની સ્થિતિ હજુ પણ યુદ્ધ માટે કરાતી તૈયારી જેવી નથી. સેનાના સૂત્રો મુજબ ચીને શિનજિયાંગ અને તિબ્બતની નજીક લગભગ ૧૫૦ લડાકુ વિમાન અને અન્ય એરક્રાફ્ટ તૈનાત કર્યા છે, પરંતુ તેની તૈયારી યુદ્ધ જેવી નથી.

એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે જો ચીન યુદ્ધ શરુ કરવા માગતું હોય તો તેને ભારે નુકસાન ભોગવવું પડશે. અધિકારીએ જણાવ્યું કે, ચીની સેના કેટલાક અન્ય પહાડો પર કબજો કરવાની કોશિશ કરી શકે છે, પરંતુ ભારતીય સેના તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકલ લેવલ પર ભારતીય કમાન્ડોને પોતાના સ્તર પર કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ છે. ઊંચાઈ પર તૈનાત ભારતીય સૈનિક સારી રીતે હથિયારથી સજ્જ છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે જણાવ્યું કે અમે પણ રેચિન લા નજીક ટેંક તૈનાત કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.