Western Times News

Gujarati News

21 સપ્ટેમ્બરથી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ ફરીથી ખુલી જશે

શ્રમ અને રોજગાર વિભાગ જણાવે છે કે સોશ્યલ ડીસ્ટન્સીંગની ખાત્રી માટે વર્ગો અલગ અલગ સમયે લેવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

અમદાવાદ, કોવિડ-19 મહામારીને કારણે લદાયેલા લૉકડાઉનને પરિણામે  રાજ્યમાં માર્ચ મહિનાથી બંધ રહેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) 21 સપ્ટેમ્બરથી ફરી ખુલી જશે અને તાલિમ કામગીરી પુનઃ શરૂ કરશે તેવી જાહેરાત ગુરૂવારે રાજ્ય સરકારે કરી છે. આઈટીઆઈ ફરીથી ખોલવા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલયની સલાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે  “સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા માટે ક્ષમતા અને જગાની ઉપલબ્ધીના અવરોધોને ધ્યાનમાં રાખીને બેચના વર્ગો અલગ અલગ સમયે લેવામાં આવશે, શ્રી મિત્રાએ જણાવ્યુ હતું કે “છ માસ, એક વર્ષ અને બીજા વર્ષના અભ્યાસક્રમના બીજા વર્ષના વર્ગો તા. 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જ્યારે બે વર્ષના અભ્યાસક્રમના પ્રથમ વર્ષના વર્ગો તા. 1 ઓકટોબરથી શરૂ થશે. ગૃહ મંત્રાલય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલી  માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તે અંગે અમે સૂચનાઓ આપી દીધી છે.”

“છ માસ, એક વર્ષ અને બીજા વર્ષના અભ્યાસક્રમના બીજા વર્ષની પરિક્ષા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવે તેવુ આયોજન  કરવામાં આવ્યું છે. માર્ગદર્શિકા મુજબ, બે વર્ષના અભ્યાસક્રમના પ્રથમ વર્ષના ઉમેદવારો તેમનો અભ્યાસક્રમનુ પ્રથમ વર્ષ પૂર્ણ કરે એટલે તેમને બીજા વર્ષમાં કામચલાઉ ધોરણે પ્રવેશ આપી દેવામાં આવશે. તેમની તાલિમ નવેમ્બરમાં શરૂ કરવાનુ આયોજન છે, જ્યારે પ્રથમ વર્ષની પરીક્ષા  ડિસેમ્બર માસમાં યોજવાની દરખાસ્ત છે.

અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે આશરે 200થી 250 કલાકની તાલિમની જરૂર પડશે અને અમે એ બાબતે ખાત્રી રાખીશું  કે તાલિમ સમયસર પૂરી થાય. જરૂર પડશે તો અમે રજાના દિવસે પણ વર્ગો લઈશું.

શ્રી મિત્રાએ જણાવ્યુ હતું કે સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા માટે  2020-21/22ના સત્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હોય તે વિદ્યાર્થીઓ અગાઉની બેચના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થાય નહી ત્યાં સુધી  થીયરીના વિષયના ઓનલાઈન કલાસમાં જોડાશે, જ્યારે પ્રેકટીકલ તાલિમ અભ્યાસક્રમ મુજબ પૂરી કરવામાં આવશે. લોકડાઉન લદાયા પછી અનલૉક તબક્કામાં ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાં ઓનલાઈન અભ્યાસના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા કે જેથી શૈક્ષણિક વર્ષને ઓછામાં ઓછી અસર થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.