Western Times News

Latest News from Gujarat

કોવિડ વિજય રથનો પંથ, જાગરૂકતાને સંગ

વિવિધ કળાઓ દ્વારા યોગ્ય પોષણનો મહિમા સમજાવી રહ્યા છે લોકકલાકારો

માસ્ક, આયુર્વેદિક અને હોમિયોપેથીક ઔષધીઓનું વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે વિતરણ

PIB Ahmedabad, કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા રાજ્યમાં વર્તમાનમાં 5 કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે. રથ પર સવાર કલાકારો કોવિડ માર્ગદર્શિકાના યોગ્ય પાલન સાથે તેમજ સામાજિક અંતર જાળવી પોતાની વિવિધ કળા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આજે સતત પાંચમાં દિવસે આ 5 રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે.

આજ રોજ જૂનાગઢ જિલ્લામાં માણાવદરની રેફરલ હોસ્પિટલથી વિજય રથનું પ્રસ્થાન થયું હતું. આ વિજય રથને મામલતદાર શ્રી રામ સાહેબે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે તેમની સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

માણાવદરના બજારમાં, રમેશ પેટ્રોલ પંપ, મિતલી રોડ, પટેલ ચોક, પોસ્ટ ઓફિસ રોડ, આંબેડકર રોડ, જલારામ બાપા માર્ગ,  એસ.ટી.રોડ તથા એસ. ટી. બસ સ્ટેન્ડ ખાતે આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા માણાવદર એસ.ટી. કંટ્રોલર અને બાંટવા એસ.ટી. ડેપોના મેનેજર શ્રી બાલકૃષ્ણ ભાઈ દેસાઈએ કોવિડ- 19 વિજય રથ વિષે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો.

પાલનપુરમાં ડીસા શહેરના અગ્રણી શ્રી સંજય ભ્રહ્મભટ્ટે આજે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે નહેરુ નગર, અંબિકાનગર, હવાઈ પિલર ચોક વગેરે વિસ્તારોમાં ફરી 60 કિલોમીટર ભ્રમણ કરીને વાડી રોડ ખાતે રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોષણના મહત્વની અને કોરોના જાગૃતિ સંદેશની સ્ટેન્ડી મૂકી લોકોને એના વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત માસ્કનું વિતરણ પણ કર્યું હતું,

નડિયાદના મજુરગામથી નડિયાદ યુવા મોરચાના મંત્રી શ્રી કમલકાંત યાદવે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. નડિયાદના સ્થાનિક વિસ્તારો, ટુંડેલ ગામ, ગુતાલ ગામ, સલુણ ગામમાં ફરીને મરીડા ગામમાં રથે રોકાણ કર્યું હતું. આજે કલાકારોએ કોરોના વિનર શ્રીમતી જ્યોતિબેન પટેલનું સન્માન પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ પણ કર્યું હતું.

કચ્છના જીલ્લાના માંડવી નગર પાલિકાના પ્રમુખ શ્રી મેહુલ શાહે આજે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. માંડવી બસ સ્ટોપ, આશાપુરા મંદિર, કોટેશ્વર વગેરે સ્થળોએ રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે અને શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. આ સાથે જ કોરોના વિનર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. માંડવીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માસ્કનું વિતરણ કર્યું હતું. દિવસ દરમિયાન 60 કીલોમીટરનું ભ્રમણ કરીને આજે રથે માંડવીની તાલુકાની પંચાયત ઓફિસે રોકાણ કર્યું હતું.

ભરૂચ જિલ્લાના સીસોદરા ગામથી સરપંચ શ્રીમતી કંકુબેન વસાવા અને તલાટી જયાબહેને રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સીસોદારના કોરોના વિનર શ્રીમતી મીનાક્ષીબહેન રતીલાલ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન 60 કીલોમીટરનું ભ્રમણ કરીને આજે રથે હાંસોટ ખાતે રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ આજે ભવાઈના માધ્યમથી સ્થાનિકો સુધી કોરોના જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો.

આ 5 રથે સાંજે 4 વાગે જે સ્થાને રોકાણ કર્યું હતું ,ત્યાંથી આવતીકાલ સવારે પ્રસ્થાન કરશે અને દૈનિક 60 કિલોમીટરની યાત્રા કરી અવિરત કોરોના જાગૃતિ અને પોષણના મહત્વ વિશે નાગરિકોને માહિતગાર કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers