Western Times News

Latest News from Gujarat

ગુજરાત ફરીવાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય

અમદાવાદ: ગુજરાત એકવાર ફરી નવા સાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મામલામાં સૌથી સારૂં પ્રદર્શન કરનાર રાજ્ય બની ગયું છે. ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારવા માટે નિર્ધારિત વિભાગ ડીપીઆઈઆઈટી દ્વારા કરાયેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રેકિંગ પરથી આ તથ્ય સામે આવ્યું છે. ગુજરાતનું પ્રદર્શન પૂર્વોત્તર રાજ્ય અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને છોડીને દિલ્હી સહિત તમામ રાજ્યો વચ્ચે સર્વશ્રેષ્ઠ રહ્યું છે. અગાઉ ૨૦૧૮માં પણ ગુજરાત પ્રથમ આવ્યુ હતું. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ટિ્‌વટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તેજીથી વિકસિત થઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતને સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય આપણા ઉભરતા સાહસિકોનું સમર્થન કરવા માટે મળીને કામ કરે છે. કેન્દ્રના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ અંગે ઈ પ્રોગ્રામ યોજાયો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન, સમર્થન તેમજ નેતૃત્વથી ગુજરાતે સ્ટાર્ટઅપ્સ માટે નંબર ૧ રેન્ક જાળવી રાખ્યો છે. આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં

પરંતુ નવા સ્ટાર્ટ અપ્સ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધા છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે. આ વર્ષે દેશમાંથી ૨૨ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.જેમાંથી ગુજરાત અને અંદમાન નિકોબાર બેસ્ટ પર્ફોમર રહ્યા છે. ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટઅપમા ટોપ પર આવ્યુ છે. રેન્કિંગ મુજબ કર્ણાટક અને કેરળ ટોપ પર્ફોમર રહ્યા છે . જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સા સહિતના રાજ્યો લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. પંજાબ અને તેલંગાણા સહિતના રાજ્યો એસ્પાયરિંગ લીડર્સની કેટેગરીમાં આવ્યા છે.દિલ્હી અને મધ્યપ્રદેશના સહિતના રાજ્ય ઈમર્જિંગ ઈકોસીસ્ટમની કેટેગરીમાં આવ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers