Western Times News

Gujarati News

ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારા ૫ વાહનને ૧૦૦થી વધુ ઈ-મેમો

પ્રતિકાત્મક

અમદાવાદ: કોરોનાનો કહેર આવ્યો તે પહેલા અમદાવાદીઓ ટ્રાફિક જંક્શન્સ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પકડાવવાની બીકે નિયમોનું પાલન કરતા હતા. વાહન ચાલકોમાં ઘર સુધી આવતા ઈ-મેમોને લઈને ડર હતો. જોકે હવે ટ્રાફિક પોલીસની ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી કેમેરાનો પણ કેટલાક વાહન ચાલકોને ડર નથી રહ્યો. શહેરમાં પાંચ એવા વાહન ચાલકો છે જેમને નિયમોનો ભંગ કરવા બદલ ૧૦૦થી પણ વધારે ઈ-મેમો અત્યાર સુધી મળી ચૂક્યા છે. અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બર ૨૦૧૫થી લાગુ કરવામાં આવેલી ઈ-મેમોની સિસ્ટમ બાદથી ૧૦૦થી વધારે ઈ-ચલણ મેળવનારા પાંચ જેટલા વાહન ચાલકોની ઓળખ કરી છે.

જેમાં એક બાઈક ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ૧૭, મે ૨૦૧૭થી ૩ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ૧૨૧ ઈ-મેમો આપવામાં આવ્યા છે. આ ઈ-મેમો વિજય ક્રોસરોડ, પાંજરાપોળ અને પાલડીના સિગ્નલો પર હેલ્મેટ ન પહેરવા, રેડ સિગ્નલ ક્રોસ કરવા તથા સ્ટોપ લાઈનના ઉલ્લંઘનને લઈને આપવામાં આવ્યા છે.

જોકે વાહન ચાલકે આજસુધી એકપણ ઈ-મેમોનો દંડ ભર્યો નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ક્રોસ રોડ અને વિજય ક્રોસરોડ પર ટીમ તહેનાત કરીને ઈ-ચલણનો દંડ રિકવરનો દાવો કરવામાં આવે છે,

જોકે તેમ છતાં આ વ્યક્તિ જેના પર ૪૯,૪૦૦ રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે તે પોલીસને થાપ આપીને નીકળવામાં સફળ થઈ જાય છે. ઈ-મેમોની વાત કરીએ તો પોલીસ માટે તે સૌથી મોટી મુશ્કેલી બન્યું છે કારણ કે મોટાભાગના કેસોમાં દંડ ભરવામાં આવી રહ્યો નથી.

શહેર ટ્રાફિક પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું, ૧૦૦થી વધુ ઈ-ચલણ મળ્યા છે તેવા પાંચ વાહન ચાલકોમાંથી માત્ર એક વ્યક્તિએ જ ચૂકવણી કરી છે, બાકીના તમામ લોકોએ દંડ ભર્યો નથી. બાઈક ચાલક બાદ બીજા નંબરે સૌથી વધુ ઈ-ચલણ એક રીક્ષા ચાલકને અપાયા છે. આ રીક્ષા ચાલકને અપાયેલા ૧૧૩ ઈ-ચલણના ૪૨,૦૦૦ રૂપિયાનો દંડ થાય છે. તેણે પણ આજ સુધી એકપણ ઈ-ચલણ ભર્યું નથી.

જ્યારે ૧૬૫ જેટલા વ્યક્તિઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ૫૦થી વધારે ઈ-ચલણ અપાઈ ચૂક્યા છે. ૧૬૫ વાહન ચાલકોને અપાયેલા કુલ ૧૦,૪૦૪ ઈ-ચલણમાંથી માત્ર ૧૮૨ ભરાયા છે, જ્યારે હજુ પણ ૧૦,૨૨૨ ઈ-ચલણનો દંડ ભરવામાં આવ્યો નથી. ડીસીપી ટ્રાફિક તેજસ પટેલ કહે છે, ઘણા કેસોમાં વાહન માલિકો બદાલાયા છે, જે દંડ વસૂલવામાં સમસ્યા ઊભી કરે છે. અમે ઈ-ચલણ રિકવર કરવા માટે ખાસ જગ્યાઓ પર માણસો ગોઠવી રહ્યા છીએ. અમે રેગ્યુલર બાકી ઈ-ચલણની ભરપાઈ માટે બે ટીમો ગોઠવતા રહીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.