Western Times News

Gujarati News

કોરોના સંકટને લઈને RTE પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન, 18,290 વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા

ગુજરાતમાં અમદાવાદ જિલ્લાએ સૌપ્રથમ RTE ફોર્મની કામગીરી સંપન્ન કરી

 12,000 ફોર્મ મંજૂર થયા, 2021 રિજેક્ટ અને 4,269 ફોર્મ કેન્સલ થયા
 વાલીઓને માર્ગદર્શન માટે શરુ કરાયેલા હેલ્પલાઈન સેન્ટરમાં દરરોજ 1,000 કોલ્સ આવ્યા

રાઈટ ટુ એજ્યુકેશન(RTE) હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 6,892 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે,એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. RTEની વર્ષ 2020-21ની પ્રવેશ-પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડની કાર્યવાહીની છેલ્લી તારીખ 18-09-2020 નક્કી કરવામાં આવી છે.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીની યાદીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે 18,290 ફોર્મ ઓનલાઈન ભરાયા છે.જેમાંથી 12,000 ફોર્મને મંજૂરી આપવામાં આવી છે, 2021 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે અને 4269 ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો આપતા અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સમગ્ર RTE પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓને કોઈ મુશ્કેલી ન નડે અને માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિએ જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન સેન્ટર કાર્યરત કર્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે, આ હેલ્પલાઈન સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે અને સેન્ટર દ્વારા દરરોજ 1,000થી વધુ કોલ્સના પ્રત્યુત્તર આપવામાં આવે છે.’

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રવેશ-પ્રક્રિયા અંગેના આયોજનની વિગતો આપતા કહ્યું કે, જિલ્લા શિક્ષણ સમિતિએ 2 સેન્ટર બનાવ્યા હતા અને તેમાં 22 કર્મચારીઓની મદદથી આ કામગીરી સંપન્ન કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં આર.ટી.ઈ સંદર્ભે શરુ કરાયેલ હેલ્પલાઈન સેન્ટરના નંબર – 079-253527880, 8866432780, 8866532780 છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020-21 ની RTE પ્રવેશ પ્રક્રિયા અન્વયે 19-08-2020 થી 29-08-2020 દરમિયાન આર.ટી.ઈ પોર્ટલ (https://rte.orpgujarat.com) પર આ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.