Western Times News

Gujarati News

મ્યુનિ.કમીશ્નરની દંડ અને દંડાની ભાષા સામે કોર્પોરેટરોમાં આક્રોશ

મિલ્કતવેરામાં રીબેટ યોજના શરૂ કરવા સરકાર સમક્ષ રજૂઆત થશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગ દ્વારા કરદાતાઓને ચક્રવૃધ્ધિ વ્યાજમાં રાહત મળે તેવા આશયથી દર વર્ષે ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવતી હતી. મ્યુનિ. કમીશ્નર વિજય નહેરાએ નાગરીકોના હિતને કોરાણે મુકીને ટેક્ષ રીબેટ યોજના સદ્દતર બંધ કરી છે.

જયારે રાજય સરકારનો આદેશ મળ્યા બાદ પ્રોફેશનલ ટેક્ષ કરદાતાઓને રીબેટ આપવામાં આવી રહયું છે. તેમજ નાના વેપારીઓ સામે દંડ અને દંડાની ભાષાનો ઉપયોગ થઈ રહયો છે. જેની સામે ભાજપના કોર્પોરેટરોમાં જ ગણગણાટ શરૂ થઈ ગયો છે.

રાજય સરકારે પ્રોફેશનલ ટેક્ષની બાકી વસુલાત માટે વ્યાજમાં ૧૦૦ ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. ૧ જુનથી ૩૧ ઓગષ્ટ સુધી ના સમયગાળા દરમ્યાન પ્રોફેશનલ ટેક્ષની તમામ બાકી રકમ ભરપાઈ કરનાર કરદાતાને વ્યાજ રાહતનો લાભ આપવામાં આવશે. મ્યુનિ.રેવન્યુ કમીટી ચેરમેન ગૌતમભાઈ કથીરીયા એ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં પ્રોફેશનલ ટેક્ષના ૩ લાખ ૮૮ હજાર કરદાતા છે.

જે પૈકી ૩ લાખ પ૩ હજાર ધંધાર્થી છે. પ્રોફેશનલ ટેક્ષના નિયમ મુજબ કોઈપણ ધંધો શરૂ કર્યા બાદ ૦૬ મહીનામાં નોધણી કરાવવી ફરજીયાત છે. ત્યારબાદ વ્યાજ પણ લેવામાં આવે છે. જે કરદાતાઓએ સમય મર્યાદામાં નોધણી કરાવી ન હોય કે નોધણી કર્યા બાદ નિયમીત ટેક્ષ ભરપાઈ કર્યો ન હોય તેમને સરકારના પરિપત્ર મુજબ વ્યાજમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવશે. ટેક્ષની આઠ હજાર જેટલી પેન્ડીગ અરજીઓના નિકાલ માટે તમામ ઝોનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજય સરકારના પરિપત્ર નો અમલ કરવા માટે મ્યુનિ.કમીશ્નર પ્રોફેશનલ ટેક્ષમાં રીબેટ આપવા તૈયાર થયા છે. જયારે મિલ્કતવેરામાં ૧૮ ટકા ચક્રવૃધ્ધિ વ્યાજ લેવામાં આવી રહયું છે. તેમ છતાં ર૦૧૮-૧૯માં રીબેટ યોજના જાહેર કરવામાં આવી ન હતી.  રાજય સરકારે ૧૮ ટકા વ્યાજ સામે રીબેટ આપવા સુચના આપી હતી. જેનો વર્ષોથી અમલ થઈ રહયો છે. તેમ છતાં મનપાના કમીશ્નરે ગત નાણાંકીય વર્ષમાં રીબેટનો લાભ આપ્યો ન હતો. લોકસભા ચુંટણી સમયે ભાજપના જ કોર્પોરેટરોએ આ મુદ્દે ઉચ્ચકક્ષાએ ફરીયાદ કરી હતી. નાના વેપારીઓની મિલ્કતો સીલ કરીને જે રીતે મિલ્કતવેરા ની વસુલાત કરવામાં આવી હતી. તેની ચોફેર ટીકા થઈ હતી.

મ્યુનિ. કમીશ્નરે રીબેટ યોજનાની સાથે સાથે ખાલીબંધ યોજના પણ બંધ કરી છે. જેના પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. નોધનીય બાબત એ છે કે મ્યુનિ. કમીશ્નર દંડો બતાવીને દંડ/ટેક્ષની વસુલાત કરી રહયા છે તેમ છતાં મ્યુનિ.હોદેદારો મૌન છે. જેની સામે પણ ભાજપના કોર્પોરેટરો જ નારાજગી વ્યકત કરી રહયા છે.

આગામી વર્ષે મનપાની ચુંટણી આવી રહી છે. તેવા સંજાગોમાં દંડ અને દંડાની ભાષા બંધ કરવામાં નહી આવે તો પ્રજાના રોષ નો ભોગ બનવાની દહેશત પણ વ્યકત થઈ રહી છે.

મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ પણ આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એક જ શહેરમાં બે અલગ-અલગ નિયમોના અમલ થાય તે અત્યંત વિચિત્ર બાબત છે. રાજય સરકારે પ્રોફેશનલ ટેક્ષની જેમ પ્રોપર્ટી ટેક્ષમાં રીબેટ આપવા માટે કમીશ્નરને ફરજ પાડવી જરૂરી છે. મિલ્કતવેરામાં ૧૮ ટકા વ્યાજની વસુલાત થાય છે. જેના કારણે મુદ્દલ કરતા વ્યાજની રકમ વધી ગઈ છે.

નાના વેપારીઓ મંદીનો સામનો કરી રહયા છે. તેવા સંજાગોમાં મ્યુનિ. કમીશ્નર રાહત આપવાના બદલે દંડની વસુલાત કરે છે. મ્યુનિ. કમીશ્નરે માનવીય અભિગમ અપનાવી કરદાતાઓને વેપારીઓને પ્રોપર્ટી ટેક્ષમાં પણ રાહત આપવી જાઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.