Western Times News

Gujarati News

સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે

Files Photo

ગાંધીનગર: રાજ્યના ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકે સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી સ્વવપરાશ ઉપરાંતની વધારાની વીજળી વેચી શકે એ માટેની સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે, તેમ ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે. આજે વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્ના પ્રત્યુત્તરમાં ઉર્જા મંત્રીએ કહ્યું છે કે, ઘર વપરાશમાં લગાવેલ સોલાર રૂફટોપ સિસ્ટમ થકી ગ્રાહકોના સ્વવપરાશ બાદ વધેલી વીજળી ૨.૨૫ પૈસા પ્રતિ યુનિટ રાજ્ય સરકારને વેચીને આવક મેળવી શકે છે.

આ યોજનામાં ૩ કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે ગ્રાહકને ૪૦% સબસીડી તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦% સબસીડી આપવામાં આવે છે. સામાન્ય રીતે ૩ કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવામાં રૂા.૧,૩૯,૦૧૭નો ખર્ચ થાય છે. એમાંથી સબસીડી બાદ કરી ગ્રાહકે રૂા.૮૩૪૦૭ ભરવાના થાય છે. તેમણે ઉમેર્યું છે કે, આ યોજના અંતર્ગત ગૃપ હાઉસીંગ સોસાયટી, રેસીડેન્સીયલ વેલફેર એસોસીએશન સોસાયટીની સ્ટ્રીટલાઇટ લાઈટ, વોટર વર્કસ, લીફટ, જીમ, સ્વીમીંગ પુલ ,બગીચો જેવી કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા ૨૦% સબસીડી આપવામાં આવે છે અને ૫૦૦ કિલોવોટ ક્ષમતાની મર્યાદામાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી શકાય છે. રાજ્યમાં આ યોજના અંતર્ગત નોંધાયેલી કુલ ૧,૨૮,૬૪૬ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં ૧,૦૩,૫૫૪ ઘર વપરાશના ગ્રાહકોની છત પર કુલ ૩૮૯ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ગયેલ છે જે પૈકી ૯૩,૨૮૨ સોલાર રૂફટોપ સિસ્ટમ કાયર્ન્વિત થઈ ગયેલ છે.

જેની કુલ સ્થાપિત ક્ષમતા ૩૫૦ મેગાવોટ છે. ઉર્જા મંત્રીએ ઉમેર્યું છે કે, સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત આવનારા ૩ વર્ષમાં સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના થકી ૧૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક છે. આ યોજના માટે વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ૬૦૦ મેગાવોટનો લક્ષ્યાંક માટે રૂા.૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૨૦-૨૧માં પણ ૬૦૦ મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે અને તે માટે બજેટમાં રૂા.૯૧૨.૨૯ કરોડની જોગવાઈ કરી છે. આ યોજનાને કારણે સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત ઊર્જા ઉત્પન્ન થશે. વીજ બીલમાં પણ લોકોને રાહત થશે. એટલું જ નહીં પરંતુ ઘર વપરાશના વીજ ગ્રાહકો સ્વવપરાશ ઉપરાંતની વીજળી વેચીને આવક પણ કરી શકશે. ઉર્જા મંત્રી પટેલે ઉમેર્યું કે, સોલાર રૂફટોપ સ્થાપિત ક્ષમતામાં ભારતના ૩,૦૮૮.૭૪ મેગાવોટના લક્ષ્યાંકમાં ગુજરાતે તા.૩૧/૮/૨૦૨૦ સુધીમાં ૭૩૫.૧૮ મેગાવોટ સાથે ૨૪% હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. અન્ય રાજ્યોમાં જોઈએ તો રાજસ્થાનનો ૧૨% હિસ્સો મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો ૮% હિસ્સો, ઉત્તરપ્રદેશનો ૭%, દિલ્હીનો ૫% તથા તેલંગણા, હરિયાણા અને પંજાબનો ૪% હિસ્સો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.