Western Times News

Gujarati News

આરોપીઓના ઈન્ટ્રોગેશન માટે PI અને ડી-સ્ટાફ ઓફિસ બેસ્ટઃ કોઈ CCTV નથી

File

અમદાવાદ, પોલીસ સ્ટેશનમાં આરોપી પર થતા કસ્ટોડિયમ ટોર્ચરને અટકાવવા માટે હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે તેમ છતાંય હજુ કસ્ટોડીયલ ડેથ તેમજ ટોર્ચરની ઘટનાઓ બની રહી છે.

ગઈકાલે શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં ઝડપાયેલા અબ્દુલ કાદરનું કસ્ટડીમાં મોત થઈ જતાં વધુ એક વખત કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં માત્ર પીઆઈની ચેમ્બર અને સર્વેલન્સ સ્કવોર્ડની ઓફિસ આ બે જગ્યા એવી છે કે જ્યાં સીસીટીવી કેમેરા નથી, જેમાં આરોપીઓની પોલીસ તેમની આગવી સ્ટાઈલથી કડક પૂછપરછ કર્યા કરે છે.

અમદાવાદના ૪૮ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચમાં હાઈકોર્ટના આદેશ બાદ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પીઆઈ અને સર્વેલન્સ સ્ક્વોર્ડની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી, જ્યાં સૌથી આરોપીની પોલીસ તેમની સ્ટાઈલમાં કડકાઈથી પૂછપરછ કરે છે. હાઈકોર્ટૈ આદેશ કર્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, પરંતુ વાસણા અને એરપોર્ટ પોલીસ સ્ટેશન જ્યારથી કાર્યરત થયાં ત્યારથી કેમેરા લગાવવામાં આવ્યા નથી.

પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થતી હિંસાને અટકાવવા માટે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ સાથે વર્ષ ર૦૧રમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામા આવી હતી, જેમાં હાઈકોર્ટે મોટા પોલીસ સ્ટેશનમાં ૧પ અને નાના પોલીસ સ્ટેશનમાં ૮ કેમેરા લગાવવા માટેનો આદેશ પોલીસના પ્લાનિંગ અને મોડર્નાઈઝેશન વિભાગને આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ પ્લાનિંગ અને મોડર્નાઈઝેશન વિભાગે રાજ્યના ૬૦૦ કરતાં વધુ પોલીસ સ્ટેશનમાં ચાર-ચાર કેમેરા લગાવ્યા હતા,

જેને લઈ વર્ષ ર૦૧૪ અને ર૦૧૬માં હાઈકોર્ટમાં વધુ એક વખત કન્ટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશની અવગણના કરનાર પ્લાનિંગ અને મોડર્નાઈઝેશનના ડીઆઈજી વી.કે. મલ્લ અને આર.આર. ભગતે કોર્ટની માફી પણ માંગી હતી. ત્યારબાદ તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં ૧ર૦ કરોડ રૂપિયાના ખર્ચે મોટા ભાગનાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે તેમ છતાંય કસ્ટોડિયલ ડેથ, કસ્ટોડિયલ ટોર્ચરની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓને બેરહેમીથી ફટકારાયા હતા, જેમાં ઓમપ્રકાશ પાંડેનું કરૂણ મોત નીપજ્યું હતું.

૩પ વર્ષના સૌરભ ઝાલાને અઢી કરોડ રૂપિયાના સોનાની ચોરીના કેસમાં અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બોપલમાં ઢોરમાર માર્યો હતો, જેમા તેનું મોત થયું હતું. જ્યારે મણિનગર પોલીસ સ્ટેશનમાં વિવેક રાણાનું કસ્ટડીમાં મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.