Western Times News

Gujarati News

રોટાબ્લેશન – ધમનીઓમાં કૅલ્શિયમ જમા થઈ ગયું હોય તેવા દર્દીઓ અને હૃદયના વૃદ્ધ દર્દીઓ માટે આશીર્વાદરૂપ

–      ડૉ મોહંમદ મકબૂલ સોહીલ, સપ્ટેમ્બર 29 ના રોજ, વિશ્વ આરોગ્ય દિવસના સંદર્ભે – 

અમદાવાદ, કોરોનરી ધમની રોગથી પીડાતા અનેક દર્દીઓને કોરોનરી ધમનીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કૅલ્શિયમ જમા થઈ જવાને કારણે અવરોધ ઊભો થયો હોય છે. અત્યાધુનિક ટેક્નિક્સ મારફત, આમાંના અમુક દર્દીઓ બાયપાસ સર્જરી કરાવી શકે છે પરંતુ, ખાસ કરીને વૃદ્ધ દર્દીઓમાં રોગનો પ્રભાવ ખૂબ વધારે હોય છે અને તેમને સાજા થવામાં ઘણો લાંબો સમય નીકળી જતો હોય છે.

શરીરની સામાન્યતઃ અવસ્થા, નબળાં હાડકાં અને નબળાં ફેફસાં જેવા અન્ય રોગને કારણે ઘણાં દર્દીઓ સર્જરી કરાવી શકવાની સ્થિતિમાં હોતા નથી. આવા દર્દીઓ માટે, રોટેશનલ એથિરેક્ટમી અથવા સરળ ભાષામાં સમજાવીએ તો ‘કૅલ્શિયમનો હિસ્સો છેદી નાખવાની ક્રિયા’ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

નારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટડૉ મોહંમદ મકબૂલ સોહીલના જણાવ્યા અનુસાર, “મેં મારા દર્દીઓ બાબતે નોંધ્યું છે કે, રોટેશનલ એથિરેક્ટમીની મદદથી આપણે લગભગ 90-95% દર્દીઓ પર બાયપાસ સર્જરી કરવાનું નિવારી શકીએ છીએ.
એથિરેક્ટમીમાં વપરાતા રોટાબ્લેશન સાધનની કિનારીએ લાખો ડાયમંડ કણ જોડેલા હોય છે. આ કિનારી મિનિટ દીઠ 150,000 થી 200,000 પરિભ્રમણની ગતિએ ફરે છે અને જે રીતે હીરો કાચને કાપે તે જ રીતે કૅલ્શિયમને કાપે છે. કૅલ્શિયમ દૂર થઈ ગયા બાદ, સ્ટેન્ટ બેસાડાય છે અને આ રીતે બેસાડેલા સ્ટેન્ટના શ્રેષ્ઠ પરિણામ મળે છે.”

હૃદયની ધમનીઓમાં ઊભા થયેલા અવરોધનો ઉપચાર કરવાની ટેક્નિક વધુને વધુ આધુનિક બનતી જાય છે અને આ સાથે ડ્રગ ઇલ્યુટિન્ગ સ્ટેન્ટ (DES)નો ઉપયોગ હવે વધુ સલાહભર્યો ગણી શકાય. આના પર વિવિધ દેશોમાં અનેક પ્રકારના દર્દીઓ પર ઘણો વ્યાપક અભ્યાસ હાથ ધરાયો છે અને ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓનો ક્લિનિકલ ડેટા એકત્ર કરાયો છે. એકદમ નવીનતમ ગણી શકાય તેવા પ્લેટિનમ ક્રોમિયમ સ્ટેન્ટ PCIના શ્રેષ્ઠ પરિણામો આપવામાં અને દર્દીઓને બહેતર સારવાર આપવામાં મદદરૂપ થાય છે.

ધમનીઓમાં ઘણું વધારે કૅલ્શિયમ જમા થઈ ગયું હોય તેવા દર્દીઓ પર સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા કરી શકાય તેમ ન હોવાથી તેમને બાયપાસ સર્જરી કરાવવાની ભલામણ કરાઈ હોય તેવા અગણિત ઉદાહરણો છે. આવા કિસ્સાઓમાં અવરોધનું સ્વરૂપ બદલવું અથવા રોટાબ્લેશન શ્રેષ્ઠ ઉકેલ સાબિત થાય છે કારણ કે ઉપચારનો આ માર્ગ અપનાવવાથી બધી જ ધમનીઓમાં સ્ટેન્ટ બેસાડવામાં ઘણી સફળતા મળે છે.

ડૉ સોહિલે પોતાનો અનુભવ ટાંકતા જણાવ્યું, “અહીં હું અમદાવાદના રહેવાસી, 75 વર્ષના શ્રીમતી શારદાબેન દવેનો કિસ્સો રજૂ કરું. તેમની વય ઉપરાંત અન્ય રોગ અને ધમનીઓમાં જમા થયેલા કૅલ્શિયમને કારણે તેમના પર બાયપાસ સર્જરી કરી શકાય તેમ ન હતું. મેં નારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોટેશનલ એથિરેકટમીનો ઉપયોગ કરીને,
જમા થયેલા કૅલ્શિયમને છેદીને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાની તેમના માટે ભલામણ કરી. આ પ્રક્રિયાનો તેમણે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને હવે ધમનીઓમાં અવરોધ ઊભો થવાની કે સંભવિત હાર્ટ ઍટેકની ચિંતા વિના તેઓ એક સ્વસ્થ અને સુંદર જીવન જીવી રહ્યા છે.”

ડૉ. સોહિલે ચેતવણીના સૂરે ઉમેર્યું, “અને અંતે મહામારીના આ સમયે હૃદયરોગથી પીડાતા બધા જ દર્દીઓને હું એક સલાહ આપીશ કે, તમારે હૃદય સંબંધી કોઈ સમસ્યા હોય અથવા તમને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું જણાવાયું હોય,

તો કોવિડનો ચેપ લાગી જવાના ડરથી તેને અવગણશો કે વિલંબમાં નાખશો નહીં. તમારા હૃદયનું સ્વાસ્થ્ય ઘણું વધારે અગત્યનું છે. દર્દીઓ સમયસર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા ન હોવાને કારણે તેમણે પોતાનું જીવન ખોયું હોય એવા અનેક કિસ્સા છેલ્લા છ મહિનામાં અમારી સામે આવ્યા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.