Western Times News

Latest News from Gujarat

અમિતાભ બચ્ચન અંગ દાન કરશે

મુંબઈ, અમિતાભ બચ્ચને 77 વર્ષની ઉંમરે એક ઉમદા પહેલ કરીને અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. આ વાતની જાણકારી તેમણે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આપી છે. તેમણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમના કોટ પર લીલા રંગની રિબન લાગી છે, જે અંગદાનના સંકલ્પનું પ્રતીક છે. બિગ બીએ તેમના ટ્વીટમાં લખ્યું, ‘હું અંગદાન કરવાનો સંકલ્પ લઈ ચૂક્યો છું… આની પવિત્રતા દેખાડવા માટે લીલા રંગની રિબન લગાવી છે.’

અમિતાભે બુધવારે સવારે એક બીજા ટ્વીટમાં જણાવ્યું છે કે પેંગોલીન માસ્ક પહેરીને કામ પર જઈ રહ્યો છે અને રોજ 15 કલાક કામ કરી રહ્યો છે. આ ટ્વીટ સાથે તેમણે પોતાનો ફોટો પણ શેર કર્યો છે. તેઓ હાલ KBCની નવી સીઝનમાં દેખાઈ રહ્યા છે.

77 વર્ષની ઉંમરે પણ બિગ બી એકદમ એક્ટિવ છે. 13 સપ્ટેમ્બરે તેમણે બ્લોગમાં લખ્યું હતું કે ‘કામ માટે સૌથી સારા દિવસો એ છે જ્યારે બાકી બધા આરામ કરી રહ્યા હોય છે. રવિવાર. 4 ફિલ્મો, 3 શોર્ટ ફિલ્મો, 6 ક્રોમા શૂટ, સ્ટીલના 2 સેટ. જી હા.’ અમિતાભના અંગદાનના નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સ તેમનાં ઘણાં વખાણ કરી રહ્યાં છે. ઘણા લોકોએ તેમના સર્ટિફિકેટ શેર કરીને જણાવ્યું હતું કે તેઓ પણ અંગદાનનો સંકલ્પ લઈ ચૂક્યા છે.