Western Times News

Gujarati News

૨૪ વર્ષની માસીને લઈ ૧૯ વર્ષનો ભાણિયો ભાગી ગયો

Files Photo

વડોદરા: પોતાનાથી છ વર્ષ નાના ભાણિયાના પ્રેમમાં માસી પાગલ બન્યાં હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસી-ભાણિયાની આ પ્રેમલીલા આટલેથી જ ના અટકી. કાયમ માટે એકબીજાના થવા માટે તેઓ ઘરેથી પણ ભાગી જતાં પરિવારજનોના જીવ ઉંચા થઈ ગયા હતા. આ ઘટના ગોધરા તાલુકાના એક ગામની છે. ઘર છોડીને ભાગી ગયેલા માસી-ભાણિયાને શનિવારે ઘરે પરત લવાયાં હતાં. આ મામલે પરિવારજનોએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. કાઉન્સિલર્સની ટીમ ગામમાં પહોંચી, અને તેમણે બંને પ્રેમીપંખીડા ઉપરાંત તેમના પરિવારજનો સાથે વાત કરી ત્યારે બંને એકબીજાને કેટલું ચાહતાં હતાં

તે સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મીતા (નામ બદલ્યું છે)ના પતિનું થોડા સમય પહેલા અવસાન થતાં તે પોતાના ૧૮ વર્ષના દીકરા જિગર (નામ બદલ્યું છે) અને દીકરીને લઈને પિતૃગૃહે રહેવા માટે આવી હતી. તેની એક પિતરાઈ બહેન કલ્પના (નામ બદલ્યું છે) પણ તેમની નજીક જ રહેતી હતી. ૨૪ વર્ષની કલ્પના પણ ડિવોર્સી હતી અને તેને એક નાની દીકરી પણ હતી. જિગર અને કલ્પના સંબંધમાં આમ તો માસી-ભાણિયો થતાં હતાં. જોકે, ઉંમરમાં ખાસ તફાવત ના હોવાથી બંનેને એકબીજા સાથે ખૂબ જ સારું બનતું હતું. પરિવારજનોએ પણ માસી-ભાણિયાની નીકટતાને સહજ ગણી તેના પર ક્યારેય શંકા નહોતી કરી.

પરંતુ બંને એકબીજાની એટલા બધા નજીક આવી ગયાં હતાં કે તેમણે સાથે જ જીવવાનું નક્કી કર્યું હતું. એક દિવસ અચાનક જ કલ્પના અને જિગર ઘરેથી ગાયબ થઈ ગયાં હતાં. આખરે છેક ત્યારે તેમના પરિવારજનોને શંકા પડી હતી કે બંને ઘર છોડીને ભાગી ગયા હોઈ શકે છે. આખરે તેમણે તેમની શોધખોળ શરુ કરી, અને તેમને જાણવા મળ્યું કે તેઓ સૌરાષ્ટ્ર પહોંચી ગયા છે, અને લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે. બંને પ્રેમીપંખીડા લગ્ન કરે તે પહેલા જ પકડાઈ ગયાં હતાં, અને તેમને ગામડે પરત લવાયા હતા.

કાઉન્સિલર હીના મકવાણાના જણાવ્યા અનુસાર, ગામના સરપંચ સાથે મળીને અભયમની ટીમે જિગર અને કલ્પનાને તેમનો આ પ્રેમસંબંધ શક્ય ના હોવાનું સમજાવ્યું હતું. સમજાવટ બાદ કલ્પનાએ પણ પોતાનું ઘર બદલી બીજે રહેવા જવા તેમજ જિગરથી દૂર થઈ જવાનું સ્વીકાર્યું હતું. ગામના સરપંચે પણ સમગ્ર પ્રકરણનું શાંતિપૂર્વક સમાધાન કરવાની ખાતરી આપતા આખરે આ મામલો થાળે પડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.