Western Times News

Gujarati News

મ્યુનિ. કર્મચારી તરીકે ઓળખ આપી દંડ વસુલતો શખ્સ જબ્બે

સુરત: સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતને લઈને જનતા અને આરોગ્ય વિભાગ બંને પરેશાન છે. કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે, કારણ કે હાલ કોરોનાની કોઈ વેક્સીન ઉપલબ્ધ નથી. હાલ કોરોના કાળમાં માસ્ક નહીં પહેરતા લોકોને તંત્ર તરફથી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે, બીજી તરફ કેટલાક લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. આ લોકો લોકો પાસેથી માસ્કનો દંડ ઉઘરાવી રહ્યા છે. સુરતમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. કાપોદ્રામાં મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ હોવાનું જણાવી લોકો પાસે દંડ ઉઘરાવતો ઇસમ ઝડપાયો હતો. કાપોદ્રા પોલીસે આ ઇસમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના વાયરસને લઈ લગાવવામાં આવેલું લૉકડાઉન જ્યારથી ખોલવામાં આવ્યું છે

ત્યારથી સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. કોરોના વાયરસની હાલ કોઈ જ દવા મળી નથી ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ દવા છે. આ દરમિયાન માસ્ક નહીં પહેરનારા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. પોલીસ તરફથી માસ્ક નહીં પહેરતા લોકોને પકડીને ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શહેરમાં કેટલાક એવા લોકો છે કે જેઓ પોતે ખોટી ઓળખ આપી માસ્કના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે.

મહીધરપુરા બાદ વધુ એક આવો કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો ઇસમ ઝડપાયો હતો. આ ઈસમ મનપાના અધિકારી બની લોકો પાસેથી દંડનાં નામે ૨ હજાર રૂપિયાની માંગણી કરતો હતો. વ્યક્તિ પોતે મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ હોવાની ઓળખ આપતો હતો. વ્યક્તિ લોકોને પોતાના મોબાઈલમાં મહિલાનું આઈ કાર્ડ બતાવી લોકો સામે રોફ જમાવતો હતો. આ ઉપરાંત સોસાયટીના લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ ઈસમ દારૂ પીને આવ્યો હતો,

તેમજ ઘરમાં ઘૂસી દારૂ પીને બેફામ ગાળો બોલી દંડની માંગણી કરતો હતો. આ ઇસમની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારની એક ઘટના અગાઉ મહીધરપુરામાં બનવા પામી હતી. લૉકડાઉન બાદ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને લોકો બેકાર બની ગયા છે. જેને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.