Western Times News

Gujarati News

પંજાબનો ફ્લૉપ શો, મુંબઈનો ૪૮ રનથી ભવ્ય વિજય થયો

દુબઈ: આઈપીએલ ૨૦૨૦ની ૧૩મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને ૪૮ રનના મોટા માર્જિનથી હરાવીને લીગમાં પોતાની બીજી જીત નોંધાવી દીધી છે. મુંબઈએ આપેલા ૧૯૨ રનના વિશાળ ટાર્ગેટની સામે પંજાબની ટીમ માત્ર ૧૪૩ રન જ બનાવી શકી અને ૪૮ રનથી મેચ હારી ગઈ. પંજાબના માત્ર ૫ બેટ્‌સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા. પંજાબની બેટિંગ લાઈનઅપ અને ફોર્મને જોતા લાગતું હતું કે તે મુંબઈને જબરદસ્ત ટક્કર આપશે પણ એવું કશું ન બન્યું. ૧૯૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત સારી રહી ઓપનર મયંક અગ્રવાલ (૧૭) અને કે એલ રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી નોંધાઈ

પરંતુ ત્યારબાદ કરુણ નાયર (૦) ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ જતા પંજાબ મુશ્કેલીઓમાં આવી ગયું હતું. ઓપનર્સને બાદ કરતા નિકોલસ પૂરન (૪૪) સિવાયના કોઈ બેટ્‌સમેને મુંબઈના બોલર્સ સામે ફાઈટ આપી નહીં અને ૨૦ ઓવરના અંતે આખી ટીમ ૮ વિકેટના ભોગે માત્ર ૧૪૩ રન જ બનાવી શકી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ, જેમ્સ પેટિન્સન અને રાહુલ ચહરે બે-બે વિકેટો લીધી. અગાઉ પંજાબના કેપ્ટન કે એલ રાહુલે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો ર્નિણય લીધો. પંજાબની ટીમને આ ર્નિણય ફળ્યો હતો અને મુંબઈએ ૨૧ રનના સ્કોરે ક્વિન્ટન ડિ કૉક અને સૂર્યકુમાર યાદવની મહત્વપૂર્ણ વિકેટ્‌સ ગુમાવી દીધી હતી. બાદમાં રોહિત અને ઈશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે ૬૧ રનની પાર્ટનરશિપ થઈ પણ અહીં સ્કોર કરવાની ગતિ ખૂબ ધીમી થઈ ગઈ.

કિશને ૩૨ બોલમાં ૨૮ રન બનાવ્યા. જોકે, બીજી તરફ રોહિત આરામથી બોલને સ્ટ્રાઈક કરી રહ્યો હતો. તેણે ૪૫ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી શાનદાર ૭૦ રનની ઈનિંગ રમી. તે સદી ફટકારે તેમ લાગી રહ્યું હતું પરંતુ શમીએ તેની આ ઈનિંગ પર બ્રેક લગાવી હતી. રોહિત આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર ૧૬.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૨૪ રન હતો અને લાગી રહ્યું હતું પંજાબને ૧૬૦થી પણ ઓછો સ્કોર ચેઝ કરવાનો આવશે પણ કેરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાના ઈરાદા કંઈક અલગ જ હતા.

પોલાર્ડ ૨૦ બોલમાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી અણનમ ૪૭ જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર ૧૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૦ રનની ઈનિંગ રમી. બંનેએ મળીને ટીમના સ્કોરને ૧૯૦ રનની પાર પહોંચાડી દીધો. ગૌતમે ફેંકેલી છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા સાથે બંને ૨૫ રન ઝૂડી કાઢ્યા હતા. બંને વચ્ચે માત્ર ૨૩ બોલમાં ૬૭ રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.