Western Times News

Gujarati News

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રી

વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી થતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધીજીની શાશ્વત વિચારધારામાં રહેલા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે પૂજ્ય બાપુની રામરાજ્ય, કલ્યાણ રાજ્ય અને સૌના ઉત્થાનની ભાવના આજે ‘સૌના સુખે સુખી, સૌના દુ:ખે દુ:ખી’ની પ્રાર્થના ભાવથી સૌ સાથે મળીને ચરિતાર્થ કરે તે સમય ની માંગ છે. મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા, સફાઇને જે આજીવન અહેમિયત આપી હતી તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આજના કોરોના સંકટના વૈશ્વિક સંક્રમણમાં માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ સેનેટાઈઝ કરવા, દો ગજ કી દુરી થી સોશિયલ ડિસ્ટન્સ એ જ સ્વચ્છતા અને સ્વસ્થતાના સરળ-સહજ ઉપાયો છે.

તેમણે ઉમેર્યું કે પૂજ્ય બાપુએ સ્વરાજ્ય અપાવ્યું અને સ્વરાજ્યની સંકલ્પના આપી હતી.  આપણે હવે સુરાજ્ય સાથે રામરાજ્ય એટલે કે સૌના હિત સૌના ઉત્કર્ષની પ્રતિબધ્ધતા પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વ માં પાર પાડવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે સદા સર્વદા ગાંધીજીના આદર્શ, ગાંધી વિચાર અને તેમના ચિંધેલા માર્ગે ચાલીને દેશ અને દુનિયાનું માર્ગદર્શન કર્યું છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.  શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતે સદાચાર, શાંતિ, જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નન ના આધાર પર ગાંધીજીના આદર્શ જન-જન સુધી પહોંચે તે માટે પોરબંદર કિર્તિ મંદિરથી શરૂ કરી મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન રાજકોટ, સાબરમતી આશ્રમ, દાંડી કુટીર અને દાંડી નમક સત્યાગ્રહ  સ્મારક સુધીની આખી ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિકસાવી છે.

મુખ્યમંત્રી એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિશ્વભરના ગાંધી પ્રેમીઓ ગાંધીજીવન-કવનના અભ્યાસ તથા તેને જોવા- માણવા ગુજરાત આવશે અને આ દર્શનીય સ્થળોમાંથી ગાંધીવિચારની પ્રેરણા મેળવશે.  શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂજ્ય બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો’ની પંક્તિઓ ‘પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણે સૌ આ પરોપકાર ભાવ, સેવા ભાવના જીવનમાં અપનાવી સૌના સાથ, સૌના વિકાસને સાકાર કરી પૂજ્ય બાપુને સાચી ભાવાંજલિ આપીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રામ રાજ્યની પૂજય બાપુની કલ્પના આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં સૌના કલ્યાણ ભાવથી સાકાર થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત દ્વારા પૂજય બાપુના સર્વગ્રાહી વિકાસના વિચારો પણ પરિપૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. આ પ્રાર્થના સભામાં પોરબંદર ખાતે પ્રવાસન મંત્રી શ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ શ્રી રમેશભાઈ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ સહિત અગ્રણીઓ, નાગરિકો પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.