Western Times News

Gujarati News

દારૂની બદીથી ઘણા કુટુંબ ઉજડી જાય છે :પ્રદીપસિંહ

પંચમહાલ: છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો
હતો.

આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી. ગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે.

કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. આ સરકાર બહેનોનાં ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવાની અંગેના લોકોના અભિપ્રાયો મેળવવાની શરૂઆત કરી હતી. આવું કરીને તેમણે આડકતરી રીતે ખુલ્લીને દારૂબંધી હટાવવાની તરફેણ કરી હતી. બીજી તરફ એવી પણ ચર્ચા જામી હતી કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાતમાં દારૂબંધ હટાવી દેવામાં આવશે. જોકે, પ્રદીપસિંહે સ્પષ્ટ શબ્દોમાં દારૂબંધી નહીં હટાવવામાં આવે તેવું કહીને આ તમામ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. પંચમહાલ જિલ્લામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોધરાના સરદારનગર ખંડ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે સાથે નશાબંધી અને વન્ય પ્રાણી સલામતી સપ્તાહ ઉજવણી રથને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રભારીમંત્રીના હસ્તે ગોધરા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ડ્રીલ નર્સરીનું ઉદ્‌ઘાટન, ગોધરા મામલતદાર ઓફિસના નવીન મકાનનું ખાતમુહૂર્ત, જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત સરપંચોને પ્રમાણપત્ર વિતરણ સહિત વિકાસકાર્યોનું લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી સહિત સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.