Western Times News

Latest News from Gujarat

કેન્દ્ર સરકારના ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે

સુરત: ‘કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં ‘કૃષિ સુધાર-2020’ બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરાયેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે, ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ સંદર્ભે સ્વતંત્રતા મળશે. કૃષિ સુધારા કાયદો એ કેન્દ્ર સરકારનું ક્રાંતિકારી પગલું છે. વર્તમાન વ્યવસ્થામાં ખેડૂતોની પેદાશની થઈ રહેલી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી, એપીએમપીની વ્યવસ્થા ચાલુ જ રહેશે. ખેડૂતોને તેમના ખેતપેદાશ માટે લાભદાયક કિંમતો મળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય અને જીવનધોરણ સુધરે એ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે.’ કૃષિ સુધારા કાયદાઓ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય શિપિંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગના રાજ્યમંત્રીશ્રી મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આમ જણાવ્યું હતું. કૃષિ સુધાર કાયદા અંગે ભ્રામક અપપ્રચાર સામે જનતા અને ખેડૂતો જાગૃત્ત બને, વાસ્તવિકતાથી વાકેફ થાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા છ વર્ષમાં ખેડૂતોને તેમની ઉપજની લાભદાયક કિંમત મળે, ખેડૂતોની આવક અને જીવનધોરણ સુધરે તે દિશામાં ખેડૂતોના હિતમાં વિવિધ સીમાચિન્હરૂપ નિર્ણય કરવામાં આવ્યા છે. ‘ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) બિલ 2020’ અને ‘ખેડૂતોને (સશક્તિકરણ અને રક્ષણ) કિંમતની ખાતરી અને કૃષિ સેવા બિલ ૨૦૨૦’ ને દેશની સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં ખાતરી આપી છે કે, નવા કાયદાઓમાં ખેડૂતોના તમામ હિતો જાળવવામાં આવ્યા છે, આ કાયદો ખેડૂતોના લાભ માટે છે,

પરંતુ રાજકીય બદઇરાદાથી કેટલાક લોકો દ્વારા આ બંને કૃષિ કાયદાઓ અંગે ભ્રામક અપપ્રચાર કરીને ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2004માં કેન્દ્ર સરકારે એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાન પંચની રચના કરી, અને આ પંચે જે કૃષિ સુધાર અંગે ભલામણો કરી હતી એનો જ આ કાયદામાં અમલ કરવામાં આવ્યો હોવાનું શ્રી માંડવીયાએ સ્પષ્ટપણે કહ્યું હતું.
શ્રી માંડવીયાએ ‘ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) કાયદો-2020’ના વ્યાપક ફાયદાઓ અંગે જણાવ્યું હતું કે, આ કાયદાના અમલથી ખેડૂતો અને વેપારીઓને કૃષિ ઉત્પાદનનું વેચાણ અને ખરીદી કરવા અંગે સ્વતંત્રતા મળશે, રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર અવરોધમુક્ત વેપારને પ્રોત્સાહન મળશે,

ખેડૂતો તેમનું કૃષિ ઉત્પાદન રાજ્ય કૃષિ ઉત્પાદન વેચાણ કાયદા અંતર્ગત એપીએમસી તેમજ અન્ય અધિસૂચિત બજારો સહિત દેશમાં કોઈપણ જગ્યાએ પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકશે, ખેડૂતોને પોતાની પેદાશનું વેચાણ કરવા બદલ કોઈ સેસ કે વેરો કે પરિવહન ખર્ચનું વહન પણ નહીં કરવું પડે. આ કાયદાથી ખેડૂતો તેમની ખેતપેદાશોનું દેશના કોઇપણ સ્થળે, કોઈપણ વેપારીને સીધું વેચાણ કરી શકશે, જેનાથી તેમને પોતાની પેદાશનું સારું મુલ્ય મળશે અને વચેટિયાઓ દૂર થશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) કાયદો 2020′ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જશે, એપીએમસીની કામગીરી બંધ થઈ જશે- જેવી ઇરાદાપૂર્વકની ગેરસમજો ઉભી કરવામાં આવી રહી છે પરંતુ સત્ય એ છે કે, લઘુત્તમ ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી ચાલુ જ રહેશે, કેન્દ્ર સરકાર દ્વારા રવી પાક માટેના ટેકાના ભાવ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, કૃષિ ઉત્પાદનના વેચાણ માટેની એપીએમસીની વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે, ખેડૂતોને એપીએમસી સહિત દેશના કોઈ પણ ખૂણે પોતાનું ઉત્પાદ વેચવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સરકારી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ‘ઇ-નામ’ના ઉપયોગથી પારદર્શકતામાં વધારો થશે અને સમયની બચત થશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ‘ખેડૂતોને (સશક્તિકરણ અને રક્ષણ) કિંમતની ખાતરી અને કૃષિ સેવા કાયદો ૨૦૨૦’ દેશભરના ખેડૂતોને પ્રોસેસર્સ, હોલસેલર્સ, એગ્રીગેટર્સઝ મોટા રિટેલર્સ, નિકાસકારો વગેરે સાથે પોતાની પેદાશની વેચાણ અંગેની સમજૂતી કરવા સક્ષમ બનાવશે, ખેડૂતો પોતાના પાકની લણણી અગાઉ વેપારી કે કંપની સાથે પેદાશનો ભાવ સુનિશ્ચિત કરી શકશે. અગાઉથી કૃષિ ઉત્પાદનની કિંમત નક્કી થવાને કારણે ખેડૂતોને બજારકિંમતમાં વધારા અને ઘટાડાથી રક્ષણ મળી રહેશે. ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાના બીજ અને અન્ય ગુણવત્તાયુક્ત કાચોમાલ મેળવવા પણ સક્ષમ બનાવાશે. ખેડૂતના વિવાદના સમાધાન માટે સ્પષ્ટ સમયરેખા સાથે વિવાદનું નિવારણ કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કૃષિ સુધાર કાયદાને લઇને ફેલાવાતી ખોટી વાતોને ફેલાતી અટકાવવી જરૂરી છે. જે માટે મીડિયાના માધ્યમથી પણ કાયદાના પૂર્ણ અભ્યાસ સાથે સત્ય હકિકતો લોકો અને ખેડૂતો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવી મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશમાં એવી ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે કે આ નવા કાયદાના અમલથી ખેડૂતોની જમીનો પ્રાયોજકો દ્વારા હડપી લેવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કાયદા હેઠળ ખેડૂતોની જમીનના વેચાણ કે કબજો કરવા અંગે કોઇ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નથી. દેશભરમાં 10,000 જેટલી ખેડૂત ઉત્પાદન મંડળીઓ(એફપીઓ)ની રચના થઈ છે, નાના ખેડૂતોને એક મંચ પર લાવીને ખેત પેદાશ માટે વળતરદાયક કિંમત સુનિશ્ચિત કરવા અંગે કાર્ય કરશે, જેનાથી દેશના નાના ખેડૂતો પણ આ નવી વ્યવસ્થામાં જોડાઇ શકશે.

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પથ પર અગ્રેસર કરવા માટે પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, નવા કૃષિ સુધારાઓથી ચોક્કસપણે દેશનો ખેડૂત પોતાની આવક બમણી કરવાની દિશામાં આગેકૂચ કરશે, આ નવા કાયદાઓના સકારાત્મક પરિણામોનો સમગ્ર દેશ સાક્ષી બનશે. મંત્રીશ્રીએ કૃષિ સુધારા કાયદાઓનો અર્થપૂર્ણ અભ્યાસ કરી કરોડો ખેડૂતોના હિતની સાચી વિગતો મીડિયાના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવા મીડિયાકર્મીઓને અનુરોધ પણ કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers