Western Times News

Gujarati News

લીમડીથી આણંદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ

દેવગઢ બારિયા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામેથી ૩૦થી ૩૫ જેટલા મુસાફરો ભરીને બપોરના સમયે લીમડી થી આણંદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે રસ્તામાં લીમખેડા નજીક ફુલપરી ઘાટા પાસે વળાંકમાં પૂર ઝડપે હોવાથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી.

જેને લઇને એક ચાર વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ૩૦ થી વધુ મુસાફરોને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યુ છે.

ઝાલોદ તાલુકામાં આવેલા લીમડી ખાતે આજે બપોરે એક ખાનગી લક્ઝરી બસના ચાલકે પોતાના કબજાની બસમાં ૩૦થી ૩૫ જેટલા મુસાફરો ભરીને આણંદ તરફ જવા નીકળ્યો હતો.

તે દરમિયાન બપોરના બે કલાકના સુમારે લીમખેડા નજીક ફુલપરી ઘાટા પાસે પહોંચતા વળાંકમાં બસ પૂર ઝડપે હોવાથી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

તેથી બસ રસ્તાની બાજુમાં પલટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર ૩૦ થી વધુ મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે ખરવાણી ગામની નિકીતાબેન લાલાભાઇ ભાસરીયા ઉં.વર્ષ ૪નુ માથામાં તથા શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ખાનગી લક્ઝરી બસમાં સવાર ઝાલોદ તાલુકાના કરમદા ગામના સંતુડીબેન કાળુભાઈ નિનામા ઉંમર વર્ષ ૬૦ નો ડાબો હાથ કપાઈને શરીરથી છુટો પડી જતાં અરેરાટી વ્યાપી હતી.

રીતુભાઈ કાળુભાઈ નિનામા કાળુભાઈ જ્યોતિભાઈ નીનામા ઉમર વર્ષ ૬૨, કમળાબેન કાળુભાઈ નિનામા ઉંમર વર્ષ ૧૦ જ્યારે ખરવાણી ગામના શારદાબેન લાલાભાઇ વસૈયા ઉંમર વર્ષ ૪૦, લાલાભાઇ કાળુભાઈ વસૈયા ઉંમર વર્ષ ૪૧ તેમજ પ્રથમપુર ગામના ધોળી દાંતી ફળિયામાં રહેતા જયંતીભાઈ તાનસિંગ હઠીલા ઉંમર વર્ષ ૨૨, આશાબેન જેન્તીભાઈ હઠીલા ઉંમર વર્ષ ૨૩ સહિત આઠ જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા શાંતુડીબેન કાળુભાઈ નિનામા તથા રિતુભાઈ કાળુભાઈ નિનામાને વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અન્ય મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે દાહોદ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે  આ બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે લક્ઝરી બસ નંબર જીજે.૨૩.વાય.૯૬૮૮ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.