Western Times News

Latest News from Gujarat

વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત યોજાયું

ગોધરા, માહિતી બ્યુરોઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પંચાયતીરાજ સિસ્ટમના સુદ્રઢીકરણ દ્વારા છેવાડાના માનવીને મળતી સુવિધાઓની ઉપલબ્ધિ વધુ ઝડપી, સરળ અને સુગમ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. મહાત્મા ગાંધીજીના સ્વપ્ન અનુસાર પંચાયતી રાજની સંસ્થાઓના સશક્તિકરણ મારફતે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી છેવાડાના માનવીના હાથમાં સ્થાનિક વિકાસ કાર્યોને લગતી સત્તા આપતી વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો ઉદ્યમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે અને તે અંતર્ગત ગુજરાતમાં પણ પંચાયતી રાજનું માળખું દરેક રીતે વધુ મજબૂત કરવાના પગલા લેવાઈ રહ્યા છે તેમ રાજ્યની વિવિધ પંચાયતોના ઈ-ખાતમૂહુર્ત અને લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સાંપ્રત સમયમાં આવશ્યક એવી આધુનિક ટેકનોલોજીઓથી સજ્જ આ ભવનો કચેરીઓએ  આવતા લાભાર્થીઓની મુલાકાત સુવિધાયુક્ત અને સુખદ બનાવશે તેવી આશા અને  આંતરમાળખાકીય સુવિધાઓમાં થતો આ વધારો ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસ કાર્યોને નવી ઊંચાઇએ પહોંચાડવા સક્ષમ બનાવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. પંચાયતોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ આ શુભ પ્રસંગે તેમણે જણાવ્યું હતું.

વરસાદના કારણે થયેલા નુકસાન માટે જાહેર કરેલ ૩૭૦૦ કરોડના રાહત પેકેજ, સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ તેમજ રાજ્યમાં કોઇને ભૂખ્યા સૂવું ન પડે તે માટે ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાના ક્રાંતિકારી નિર્ણય અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર વંચિતો અને જરૂરતમંદોની સમસ્યાઓ પ્રત્યે સતત ચિંતિત અને સંવેદનશીલ છે. સરકાર દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલ આ નિર્ણયથી ૫૦ લાખ જેટલા મધ્યમ વર્ગના અને ગરીબ  લોકોને રાહત દરે અનાજની પ્રાપ્તિ થશે.

પ્રજાના સહકારથી કોરોના મહામારી સામે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ઘણી સારી સ્થિતિમાં હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં સાજા થવાનો દર વધીને ૮૫ ટકા અને મૃત્યુદર ઘટીને ૨.૫ ટકા થવા પામ્યો છે.

મુખ્યમંત્રીશ્રીની સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે છેવાડાના માનવીઓ સુધી સેવાઓની ઝડપી અને ગુણવત્તાસભર ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાના હેતુથી અન્ય નિર્ણયોની સાથે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ નિરંતર વધારો કરવામાં આવી રહ્યો છે અને પંચાયતના નવીન ભવનોના આજે થયેલા ખાતમુહૂર્ત એ જ દિશામાં વધુ એક પગલું છે. ૧૬.૪૧ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન ભવનની સુવિધાઓ  અને તેના ફાયદાઓ વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ શાખાઓની ઓફિસો એક જ બિલ્ડિંગમાં કાર્યરત થતા જિલ્લાના ખૂણે-ખૂણેથી વિવિધ કામો અર્થે જિલ્લા પંચાયત આવતા લોકોને અલગ-અલગ સ્થળે ધક્કા નહીં ખાવા પડે, કામ ઝડપથી પૂર્ણ થશે તેમજ પંચાયત કર્મીઓ-અધિકારીઓની કામગીરી પણ ઝડપી અને સરળ બનશે તેમ મંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું.

તાલુકા પંચાયતોના નવીનીકરણ બાદ પંચમહાલ જિલ્લાવાસીઓને નવીન જિલ્લા પંચાયતની ભેટ આપવા બદલ મુખ્ય મંત્રીશ્રી અને સરકારનો આભાર વ્યક્ત કરતા ગોધરા ખાતેના કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે પંચાયતની અગત્યની શાખાઓ અલગ-અલગ મકાનોમાં ચાલતી હોવાથી પડી રહેલી સમસ્યાઓ આ નવીન ભવનનું નિર્માણ થતા દૂર થશે અને અલગ-અલગ શાખાઓ સાથે સંકલનની કામગીરી સરળ બનશે, જે અંતે જિલ્લાની પ્રગતિને વધુ વેગવાન બનાવશે.

આ અગાઉ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે આ પ્રસંગે શાબ્દિક સ્વાગત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.ડી.રાઠવાએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ પ્રાસંગિક ઉદબોધન કરી આ શુભ શરૂઆત અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ પટેલ, વિવિધ સમિતીઓના ચેરમેનશ્રીઓ સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

*કેવું હશે જિલ્લા પંચાયતનું નવુ મકાન?*

પંચમહાલ જિલ્લા પંચાયતનું સિવિલ લાઈન્સ રોડ ખાતે આવેલ મકાન વર્ષ ૧૯૫૦થી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ-લોકાર્પણ પ્રસંગે ૭૦ વર્ષ જૂના આ ભવનના સ્થાને આકાર લેનાર નવા ભવનની રૂપરેખા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે રજૂ કરી હતી. રૂ. ૧૬.૪૧ કરોડના ખર્ચે ૧૦,૫૩૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થનાર બે માળનું આ બિલ્ડિંગ ભવિષ્યમાં જરૂરિયાત અનુસાર ૧ વધારાનો માળ ઉમેરી શકાય અને પર્યાવરણના ધારાધોરણો અનુસાર ગ્રીન બિલ્ડિંગની શ્રેણીમાં આવે તે પ્રકારે ડિઝાઈન કરાયું છે. ગોધરા શહેરની વચ્ચે આવેલું હોવાથી પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ, કોન્ફરન્સ હોલ, પથિકાશ્રમ, કેન્ટિન સહિતની સુવિધાઓથી યુક્ત હશે.  નિર્માણ શરૂ થયાના ૧૮ માસમાં આ ભવનનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers