Western Times News

Gujarati News

જંબુસર નગર પાલિકા ઋણ તળાવ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ રોષ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં આવેલ ઋણ તળાવ વિસ્તારમાં ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.રોડ પણ બનાવ્યા વર્ષો વીતી ગયા નવા રોડ પણ બનાવવામાં આવતા ન હોય ઋણ તળાવના રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ રોષ જોવા મળે છે.

જંબુસર નગર પાલિકાનું તંત્ર જાણે તદ્દન ખાડે ગયું હોય તેમ ઠેર ઠેર પાલિકા વિસ્તારના રહીશોની બૂમો ઉઠી છે.ઋણ તળાવના રહીશો કઈ સદીમાં જીવી રહ્યા છે કે આ વિસ્તારમાં હજુ સુધી ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરઈ જાય છે.સાથોસાથ બીજા વિસ્તારની ગટરના ગંદા પાણી ભરાઈ જતાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ સહિત ઋણ તળાવમાં વણકર સમાજનું ધાર્મિક સ્થળ આવેલું જ્યાં દરરોજ લોકો દર્શનાર્થે આવતા હોય ગટરના ગંધાતા પાણી માંથી પસાર થવું પડે છે.

પાલિકા દ્વારા પચીસ વર્ષથી ખુલ્લી ગટરોનું કામ કરેલ નથી જેને લઈ આ વિસ્તારમાં ગંધાતા પાણી ભરાઈ જવાના બનાવો બને છે.રહીશો દ્વારા પાલિકા સત્તાધીશો તથા ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાંય ઋણ તળાવના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેને લઈ રહીશોમાં રોષ જોવા મળે છે.રહીશોના જણાવ્યા પ્રમાણે મેમ્બરો પણ મત લેવાના હોય ત્યારે જ આ વિસ્તારમાં આવે છે તે સિવાય કોઈ આ બાજુ ફરકતું નથી.આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં નગર પાલિકા ચૂંટણી આવતી હોય મતદારો પોતાનો મિજાજ બતાવે તો નવાઈ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.