Western Times News

Gujarati News

રેશનકાર્ડ સહિતની કુલ ૨૨ સેવા ગામમાં જ મળી રહેશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે. જેનાથી ગામડાઓમાં સારી ઇન્ટરનેટ સ્પીડ મળી રહેશે. હાલ દરેક ગામડાને ૧૦૦ એમબીપીએસની સ્પિડ આપવામાં આવશે. આઠમી ઓક્ટોબરના રોજ ગુજરાતના ૨,૭૦૦ ગામમાં આ સેવા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આઠમી તારીખે ૩,૫૦૦ ગામ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે

પરંતુ ચૂંટણી આચાર સંહિતાને પગલે હાલ ૨,૭૦૦ ગ્રામ પંચાયતોમાં જ આ સેવા શરૂ થશે. આ સેવા શરૂ થતાં જ ગામના લોકોએ નવું રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર સહિતના ૨૨ કામ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં રહે. તેમને પોતાના ગામ ખાતેથી જ આ તમામ સેવા ઓનલાઇન મળી જશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૦ સુધી આ સેવાથી આઠ હજાર ગામને જોડી દેવામાં આવશે. આવતા વર્ષ સુધી રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતને આ સેવા સાથે જોડી દેવામાં આવશે. સરકારના આ પગલાંને કારણે રાજ્યમાં ડિજિટલ ક્રાંતિ આવશે.

દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં આવો કોઈ પ્રોજેક્ટ લોંચ થયો હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી કરવામાં આવ્યો છે. ગામડાના લોકોને ઘેરબેઠાં તમામ સુવિધાઓ મળે તે માટે ૮ ઓક્ટોબરથી આપણે ડિજિટલ સેવાસેતુ લોન્ચ કરી રહ્યાં છીએ. સરકારી કામોમાં સરળીકરણ અને લોકોના કામકાજ ઝડપથી થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. ૨૨ સેવા ઘરબેઠાં મળી રહેશે

આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ ગામના લોકોએ હાલ ૨૨ સેવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં પડે. ગામમાં બનાવવામાં આવેલા સેવા કેન્દ્ર ખાતેથી જ જે તે વ્યક્તિને આ સેવા મળી રહેશે. આગામી દિવસોમાં આ સેવા ૨૨થી વધારીને ૫૦ સુધી કરવામાં આવશે. આ સેવાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવું, ઉમેરવું, નવું કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ અલગ કરવું, આવકનો દાખલો, સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર વગેરે ગ્રામ પંચાયત ખાતેથી જ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.