Western Times News

Gujarati News

આશ્રમ રોડ પર કાર્યરત“ઝીરો પોલ્યુશન” માઈક્રો ટનલ પ્રોજેક્ટ

વાડજથી રીવરફ્રન્ટ ૬.૫૦ કીલોમીટરની લાઈન પૈકી એક કીલોમીટરનું કામ પૂર્ણ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં અમદાવાદની શાન ગણાતા આશ્રમરોડ પર સમયાંતરે ડેવલપમેન્ટના કામ થતા રહ્યા છે. આશ્રમ રોડ જે સમયે તૈયાર કરવામાં આવ્યો તે સમયના ડેવલપમેન્ટ અને જરૂરીયાતને ધ્યાનમાં લઈને રોડ-ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ ઈન્કમટેક્ષ, ટાઉનહોલ તથા અંજલી જંક્શન પર ફ્લાય ઓવર તૈયાર કરવામાં આવ્યા છે. મ્યનિ.કોર્પાેરેશન દ્વારા ભવિષ્યમાં સેન્ટ્રલ બીઝનેસ ડીસ્ટ્રીક્ટ અને સ્માર્ટસીટી અંતર્ગત આ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. તેથી ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ આધુનિક પદ્ધતિથી સુએજ ટ્રંક મેઈન નાંખવામાં આવી રહી છે. જેનું કામ ૨૦૨૧માં પૂર્ણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટમાં ખાડા ખોદવામાં આવતા ન હોવાથી તેને ઝીરો પોલ્યુશન પણ કહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ પર વાડજ સર્કલ થી વી.એસ.હોસ્પિટલ, મહાલક્ષ્મી ચાર રસ્તાથી સાબરમતી રીવરફ્રન્ટ સુધી માઈક્રો ટનલિંગ મેથડથી ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી રહ્યા છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે તેમાં પાઈપલાઈન નાંખવા માટે ખાડા ખોદવામાં આવતા નથી. આ પ્રોજેક્ટને “પોલ્યુશન ફ્રી” પણ કહેવામાં આવે છે. તદઉપરાંત અન્ય પ્રોજેક્ટ કરતા માત્ર દસ ટકા મેનપાવરની જ જરૂરિયાત રહે છે. માઈક્રો ટનલ મેથડમાં ૨૦૦થી ૩૦૦ મીટરના અંતરે મશીન મૂકવા માટે જ જરૂરિયાત મુજબ ખાડા ખોદવામાં આવે છે. સદર પ્રોજેક્ટમાં એક કીલોમીટર લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ નાગરીકોને સહેજ પણ હાલાકી થતી નથી.

આશ્રમ રોડ પર હાલ ૪૫૦ મી.મી.ની ડ્રેનેજ લાઈન છે. માઈક્રો ટનલ પ્રોજેક્ટમાં ૧૪૦૦, ૧૬૦૦ તથા ૨૦૦૦ મી.મી. ડાયાની પાઈપો નાંખવામાં આવી રહી છે. વાડજ સર્કલથી રીવરફ્રન્ટ સુધી ૬.૫૦ કીલોમીટર લંબાઈમાં માઈક્રો ટનલ મેથડથી પાઈપ લાઈન નાંખવામાં આવી રહી છે. જેમાં નવરંગપુરા, ઉસ્માનપુરા, પાલડી સહિતના સાત જેટલા જંક્શનો પરની નાની લાઈનો ડાયવર્ટ કરવામાં આવશે. આશ્રમ રોડ પર ભવિષ્યમાં થનાર વિકાસને ધ્યાનમાં લઈને સુએજ ટ્રંક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સદર લાઈનનું રીવરફ્રન્ટની ડકટ સાથે જાેડાણ થયા બાદ તમામ સુઅરેજ વાસણા બેરેજ ખાતેના રીવરફ્રન્ટ સુએજ પમ્પીંગ સ્ટેશન પર પમ્પ કરવામાં આવશે. ત્યારબાદ વાસણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટ્રીટ કરવા લઈ જવામાં આવશે.

મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ માઈક્રો ટનલ પ્રોજેક્ટ માટે રૂા.૧૨૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ટેન્ડર રૂા.૧૦૩ કરોડમાં મંજૂર કરવામાં આવ્યા છે. સદર ૬.૫૦ કી.મી. લંબાઈની ટ્રન્ક મેઈન લાઈનનું કામ ઓગસ્ટ-૨૦૨૧માં પૂર્ણ થઈ જશે. શહેરના જશોદાનગર-નારોલ વિસ્તારમાં પણ આ જ પદ્ધતિથી લાઈન નાંખવામાં આવશે. ટ્રેન્ચ લેસ લેસ સીસ્ટમના કારણે વાહનચાલકોને કોઈ તકલીફ થતી નથી જે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.