Western Times News

Gujarati News

રાજસ્થાનની કંગાળ બેટિંગ, મુંબઈની વિજયી હેટ્રિક

દુબઈ: આઈપીએલ ૧૩ની ૨૦ મેચમાં રાજસ્થાન રૉયલ્સને એક તરફી મેચમાં ૫૭ રનથી હરાવી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્‌સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે. ૧૯૪ રનના ટાર્ગેટ સામે રાજસ્થાનની ટીમે ખૂબ જ નબળો દેખાવ કર્યો અને માત્ર ૧૩૬ રન જ બનાવી શકી. રાજસ્થાનની ટીમ પૂરી ૨૦ ઓવર પર બેટિંગ ન કરી શકી અને ૧૧ બોલ બાકી રહેતા જ ઑલઆઉટ થઈ ગઈ. એક તરફ મુંબઈ સતત વિજય સાથે જીતની હેટ્રિક લગાવી છે તો બીજી તરફ સતત ત્રણ હાર સાથે રાજસ્થાને પણ હારની હેટ્રિક લગાવી છે. ૧૯૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ ઈનિંગના પ્રથમ બોલથી જ દબાણમાં દેખાઈ.

પ્રથમ ઓવરના બીજા જ બોલે ટ્રેન્ટ બોલ્ટે યશસ્વી જયસ્વાલ (૦)ને પોતાનો શિકાર બનાવ્યો. ત્યારબાદ બીજી ઓવરમાં કેપ્ટન સ્મિથ (૬) બુમરાહ અને ત્રીજી ઓવરમાં સંજુ સેમસન (૦) બોલ્ટનો શિકાર બનતા રાજસ્થાનનો ટૉપ ઓર્ડર માત્ર ૧૨ રનમાં જ તંબુ ભેગો થઈ ગયો હતો. ઓપનર જોશ બટલરે એકલાહાથે સંઘર્ષ કર્યો હતો પરંતુ બીજી તરફથી વિકેટો સતત પડી રહી હતી. તેણે ૪૪ બોલમાં ૭૦ રનની ઈનિંગ રમી પણ ટીમને જીતની નજીક લઈ જઈ શક્યો નહી.

તેના સિવાય એકમાત્ર જૉફ્રા આર્ચરે થોડો પ્રતિકાર કર્યો. રાજસ્થાનના માત્ર ૪ ખેલાડીઓ ડબલ ફિગર સ્કોર કરી શક્યા. બીજી તરફ મુંબઈની બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો. ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેન્ટિન્સને પણ ૨-૨ વિકેટ લીધી. આ ઉપરાંત રાહુલ ચહર અને કિરોન પોલાર્ડે પણ ૧-૧ વિકેટ ઝડપી. મુંબઈના બોલર્સ પ્રથમ ઓવરથી જ રાજસ્થાન પર હાવી રહ્યા અને મેચમાં એક પણ ક્ષણ માટે રાજસ્થાનને જીતની સ્થિતિમાં આવવા દીધું નહીં.

આ જીતની સાથે મુંબઈએ રાજસ્થાન સામેની પોતાની હારનો સિલસિલો તોડી નાખ્યો. મુંબઈ છેલ્લી ૪ મેચોથી રાજસ્થાન સામે હારી રહ્યું હતું. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન રોહિત શર્માનો ર્નિણય મુંબઈની ટીમને ફળ્યો હતો. ઓપનર ક્વિન્ટન ડિ કૉક અને રોહિત વચ્ચે પ્રથમ વિકેટ માટે ૪.૫ ઓવરમાં ૪૯ રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ વિકેટના રૂપમાં આઉટ થયેલા ડિ કૉકે ૧૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૩ રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ ત્રીજા સ્થાને આવેલા સૂર્યકુમાર યાદવે સારી શરૂઆતનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. તેણે રોહિત સાથે બીજી વિકેટની પાર્ટનરશિપમાં ૩૯ રન જોડ્યા હતા.

જોકે, રોહિતના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો ઈશાન કિશન પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો અને મુંબઈ તકલીફમાં મુકાશે તેવું લાગ્યું હતું. રોહિતે ૨૩ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૩૫ રન બનાવ્યા હતા. કિશનના આઉટ થયા બાદ બેટિંમાં પ્રમોટ કરાયેલો કુણાલ પંડ્યા પણ રન બનાવવા માટે ઝઝૂમતો દેખાયો. તેણે ૧૭ બોલમાં ફક્ત ૧૨ રન બનાવ્યા. જોકે, તેની ધીમી બેટિંગની કોઈ અસર સૂર્યકુમાર પર ન દેખાઈ અને તેણે પોતાની રમત આગળ ધપાવતા અર્ધ સદી ફટકારી દીધી.

કુણાલના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા હાર્દિક પંડ્યાએ ફરી એકવાર પોતાની ઉપયોગિતા સાબિત કરી અને ૧૯ બોલમાં ૩૦ રનની શાનદાર ઈનિંગ રમી અને ટીમને ૧૯૦ રનની પાર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. સૂર્યકુમારે ૪૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૭૯ રન બનાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.