Western Times News

Gujarati News

કોલકાતનો ચેન્નાઈ સામે ૧૦ રને અત્યંત રોમાંચક વિજય

દુબઈ: ઓપનર રાહુલ ત્રિપાઠીની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં બુધવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦ રને વિજય નોંધાવ્યો છે. ચેન્નઈ સામે ૧૬૮ રનનો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં ઓપનર શેન વોટસને શાનદાર અડધી સદી ફટકારી હતી તેમ છતાં ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૭ રન જ નોંધાવી શકી હતી. એક સમયે ચેન્નઈ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ અંતિમ ઓવર્સમાં કોલકાતાના બોલર્સે ચુસ્ત બોલિંગ પ્રદર્શન કર્યું હતું. અગાઉ કોલકાતાએ રાહુલ ત્રિપાઠીની ૮૧ રનની ઈનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૧૬૭ રન નોંધાવ્યા હતા. ૧૬૮ રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નઈની બેટિંગ સારી રહી હતી.

ઓપનર શેન વોટસને ૪૦ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૫૦ રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ અંબાતી રાયડૂએ પણ ૨૭ બોલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ બંને બેટ્‌સમેનો આઉટ થયા બાદ કોલકાતાના બોલર્સે વળતો પ્રહાર કર્યો હતો અને ચેન્નઈના બેટ્‌સમેનોને સરળતાથી રન નોંધાવવા દીધા ન હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વધુ એક વખત ફિનિશરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો હતો. ધોની ૧૧ બોલમાં ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સેમ કરન પણ ૧૭ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. અંતિમ ઓવર્સમાં કેદાર જાધવે ધીમી બેટિંગ કરી હતી. તેણે ૧૨ બોલમાં અણનમ સાત રન નોંધાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ આકર્ષક ફટકાબાજી કરી હતી પરંતુ તેની આ ફટકાબાજી ટીમને વિજય અપાવવા પૂરતી ન હતી.

તેણે ૮ બોલમાં અણનમ ૨૧ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. અગાઉ ઓપનર રાહુલ ત્રિપાઠીની શાનદાર બેટિંગને કારણે આઈપીએલ ૧૩ની ૨૧મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નઈ સુપરકિંગ્સ સામે ૧૬૮ રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ઓપનિંગમાં પ્રમોટ કરાયેલા રાહુલ ત્રિપાઠીએ ૮૧ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી પરંતુ બીજી બાજુથી કોઈનો સાથ ન મળતા તે ટીમને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યો નહીં. આના કારણે ટીમ ૨૦ ઓવરના અંતે ૧૦ વિકેટ ગુમાવી ફક્ત ૧૬૭ રનનો સ્કોર બનાવી શકી. ત્રિપાઠી બાદ સુનીલ નારાયણે સૌથી વધુ ૧૭ રન બનાવ્યા. સીએસકે માટે શાર્દુલ ઠાકુર અને કરણ શર્મા સૌથી સફળ બોલર રહ્યા અને બંનેએ ૨-૨ વિકટો લીધી. દીપક ચહર અત્યંત ખર્ચાળ સાબિત થયો અને ૪ ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના ૪૭ રન આપ્યા.

અગાઉ કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો. ઓપનિંગમાં પ્રમોટ કરાયેલા રાહુલ ત્રિપાઠીએ શુભમન ગિલ સાથે મળી ટીમને સારો સ્ટાર્ટ અપાવ્યો. બંનેએ મળીને ૪.૨ ઓવર્સમાં ૩૭ રનની ભાગીદારી નોંધાવી પરંતુ બાકીના બેટ્‌સમેનો તેનો કોઈ ફાયદો ઉઠાવી શક્યા નહીં અને મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા. બીજી બાજુ ત્રિપાઠીએ પોતાની જવાબદારી પૂરી કરી અને ૫૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ સિક્સર્સની મદદથી ૮૧ રન બનાવ્યા. જો તેને બીજી બાજુએથી કોઈનો સાથ મળી ગયો હોત તો તે ટીમને જરૂર એક મોટા સ્કોર સુધી લઈ જાત. ત્રિપાઠી બાદ સુનીલ નારાયણે સૌથી વધુ ૧૭ રન નોંધાવ્યા. નિતિશ રાણા (૯), ઈયોન મોર્ગન (૭), આન્દ્રે રસેલ (૨) જેવા પ્લેયર્સ ડબલ ફિગરમાં પણ ન જઈ શક્યા જેના પરિણામે કેકેઆર ૧૬૭ રન જ બનાવી શકી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.