Western Times News

Gujarati News

સુરતમાં ૪૫ વર્ષની પરંપરા તૂટશેઃ રામલીલા નહીં યોજાય

સુરત: કોરોનાને કારણે આ વર્ષે દરેક તહેવારોની મજા લેવામાં સુરતીઓ સહિત દેશના દરેક લોકો બાકાત રહ્યા છે, ત્યારે ૪૫ વર્ષમાં પહેલી વાર એવું બનશે કે સુરતીઓ રામલીલાનું જીવંત મંચ જોઈ શકશે નહિ. કોરોના મહામારીને કારણે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટે રામલીલા મંચન, રાવણ દહન જેવા અનેક અન્ય કાર્યક્રમો રદ કર્યા છે. શહેરમાં રામલીલા સ્ટેજ પર ભજવવાનો ઇતિહાસ ઘણો જૂનો છે. પરંતુ તેને વ્યવસ્થિત રૂપ આપવા માટે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટે ઘણું યોગદાન આપ્યું છે અને આ વખતે ટ્રસ્ટે રામલીલા ન યોજવાનું નક્કી કર્યું છે.

મીની ભારત એવા સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં છે અને નવરાત્રિ પર્વ દરમ્યાન ગરબા-દાંડિયાની ઉજવણી સુરતની ગલીઓમાં કરવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતીય સમાજ પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિનો આદર્શ રામલીલાનું જીવંત મંચ જુએ છે અને રામાયણજીવન પાત્ર સુધી પહોંચે છે. ત્યારે ર્નિણય અંગે ટ્રસ્ટે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ભીડ ભેગી થાય એવા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અથવા મુલતવી રાખવામાં આવ્યા છે અને ૪૫ વર્ષમાં પહેલી વાર રામલીલાનો મંચ પણ રદ કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન ઉત્તર ભારતના દરેક ગામમાં રામલીલા મંચ થાય છે અને ૪૫ વર્ષ પહેલા ૧૯૭૫ માં આ સ્ટેજ પરફોર્મન્સ સુરતના સગરામપુરાની સીંગાપુરી વાડીમાં શરૂ કરવામાં આવ્યું હતું.

આ પછી, લોકોની ઉત્સુકતા અને વિશ્વાસ રામલીલા તરફ વધતાં સ્ટેજિંગનું સ્થળ મોટું થયું અને બદલવામાં આવ્યું. જેમાં અઠવાલાઇન્સ ખાતેના ચૌપાટી અને મોહનપાર્ક, ત્યારબાદ પાર્લે પોઇન્ટ ખાતે રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ, ઘોડદોડ ખાતે વૃંદાવન પાર્ક અને છેવટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વેસુમાં રામલીલા મેદાન તરીકે બાંધવામાં આવેલા પાર્ટી પ્લોટને વિશેષ ઓળખ આપી છે. શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના મંત્રી અનિલ અગ્રવાલે જણાવ્યું કે, નવરાત્રિ મહોત્સવના ત્રણ મહિના પૂર્વે ટ્રસ્ટની રામલીલાની તૈયારીના સંદર્ભમાં મીટિંગોનો દોર શરૂ થઈ જતો હતો. પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યું છે. સુરતમાં વર્ષોથી રામલીલાના મંચન માટે મથુરા અને વૃંદાવનથી ૩૫ લોકોની મંડળી આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.