Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ કેનેડામાં ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં સંબોધન કર્યું 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં રોકાણ માટે સૌથી અનુકૂળ માહોલ છે

ભારતમાં રાજકીય સ્થિરતા, રોકાણને અનુકૂળ નીતિઓ, પારદર્શકતા, કૌશલ્યપૂર્ણ ટેલન્ટ પૂલ છે: પ્રધાનમંત્રી

આજે ભારતની કહાની ઘણી મજબૂત છે અને આવતીકાલે હજુ પણ વધારે મજબૂત થશે: પ્રધાનમંત્રી

PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડામાં યોજાયેલી ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત નિર્વિવાદિતપણે એકમાત્ર એવો દેશ છે જે તેના તમામ રોકાણના માપદંડો જેમ કે, રાજકીય સ્થિરતા, રોકાણ અને વ્યવસાયોને અનુકૂળ નીતિઓ, સુશાસનમાં પારદર્શકતા, કૌશલ્યપૂર્ણ ટેલેન્ટ પૂલ અને વિશાળ બજાર વગેરેમાં ઝળકી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસ્થાકીય રોકાણકારો, ઉત્પાદકો, નવાચાર ઇકોસિસ્ટમ્સના સમર્થકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સહિત તમામના માટે અહીં રોકાણની તકો ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયામાં કોવિડ પછીના તબક્કામાં, ભારતે ખૂબ જ દૃઢ સંકલ્પશક્તિ બતાવી છે અને ઉત્પાદન, પૂરવઠા શ્રૃંખલા વગેરે સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ઉકેલોની ભૂમિ તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, લોજિસ્ટિક્સમાં અનેક વિક્ષેપો આવવા છતાં, 400 મિલિયનથી વધુ ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના બેંક ખાતાંમાં માત્ર ગણતરીના દિવસોમાં જ સીધા નાણાં જમા કરાવી દેવામાં આવ્યા હતા.

મહામારીના કારણે ઉભા થયેલા વિક્ષેપોમાંથી બહાર આવવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બાબત સુશાસનના માળખાની અને વ્યવસ્થાતંત્રની મજબૂત બતાવે છે જેનું નિર્માણ છેલ્લા કેટલાંક વર્ષમાં જ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આખો દેશ ચુસ્ત લૉકડાઉનમાં હતો તેવા સમયમાં, ભારત દુનિયામાં લગભગ 150 દેશોમાં દવાઓનો જથ્થો પહોંચાડી રહ્યું હતું અને ફાર્મસી ક્ષેત્રમાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે માર્ચથી જૂન મહિના દરમિયાન, કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, મહામારી પહેલાં, ભારતમાં ભાગ્યે જ PPE કિટ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું

પરંતુ આજે ભારત દર મહિને માત્ર લાખો PPE કિટ્સનું ઉત્પાદન નથી કરતું બલ્કે, તેની નિકાસ પણ કરે છે. કોવિડ-19 માટે રસીના ઉત્પાદનમાં સમગ્ર દુનિયાને મદદ કરવા અને ઉત્પાદન વધારવા માટે ભારત પ્રતિબદ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ, વ્યવસાયોને અનુકૂળ માહોલનું સર્જન કરવા માટે સરકારે લીધેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કરીને કેવી રીતે ભારતની કહાની વધુ મજબૂત બની રહી છે તેના વિશે વર્ણન કર્યું હતું.

તેમણેFDI કાયદાઓમાં ઉદારીકરણ, સોવેરિજન વેલ્થ અને પેન્શન ફંડ્સ માટે અનુકૂળ કર કાયદા, મજબૂત બોન્ડ માર્કેટનું નિર્માણ કરવા માટે લાવવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારા, ચેમ્પિયન ક્ષેત્રો માટે પ્રોત્સાહક યોજનાઓ જેવી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફાર્મા, તબીબી ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ જેવા ક્ષેત્રોમાં પહેલાંથી જ પરિચાલન શરૂ થઇ ગયું છે.

તેમણેઉમેર્યું હતું કે, રોકાણકારો પર ખૂબ જ ઉચ્ચ સ્તરનું ધ્યાન આપવામાં આવે અને તેને અસરકારક રીતે સમર્થન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે, એક સમર્પિત સચિવોના અધિકારપ્રાપ્ત સમૂહની રચના કરવામાં આવી છે.

તેમણે હવાઇમથકો, રેલવે, ધોરીમાર્ગો, ઉર્જા પરિવહન લાઇનો જેવા તમામ ક્ષેત્રોમાં અસ્કયામતોના સક્રીયપણે મુદ્રીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, રીઅલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટોને સાર્વજનિક અને ખાનગી બંને પ્રકારની અસ્કયામતોના મુદ્રીકરણ માટે સંપૂર્ણ સમર્થ બનાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારત લોકોની માનસિકતા અને બજારોમાં ઝડપથી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

કંપની અધિનિયમ હેઠળ આવતા વિવિધ ગુનાઓના ડિરેગ્યુલેશન અને ડિક્રિમિલાઇઝેશનની સફરનો પ્રારંભ કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક નવાચાર સૂચકાંકમાં ભારત 81મા ક્રમેથી આગળ વધીને 48મા ક્રમે આવી ગયું છે અને વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં 142મા ક્રમેથી આગળ વધીને 63મા ક્રમે આવી ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારાઓના કારણે, ભારતમાં જાન્યુઆરી 2019થી જુલાઇ 2020 સુધીના સમયગાળામાં સંસ્થાકીય રોકાણકારો તરફથી USD 70 બિલિયનનું રોકાણ પ્રાપ્ત થયું છે.

આ રકમ 2013થી 2017 સુધીના ચાર વર્ષમાં પ્રાપ્ત થયેલા કુલ રોકાણની લગભગ સમકક્ષ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વૈશ્વિક રોકાણકારોનો ભારતમાં સતત જોવા મળી રહેલો વિશ્વાસ એ તથ્ય પરથી દેખાઇ આવે છે કે, 2019માં ભારતમાં FDIના પ્રવાહમાં 20%ની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે વૈશ્વિક FDI પ્રવાહમાં 1%નો ઘટાડો થયો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના શરૂઆતના છ મહિનામાં જ્યારે કોવિડ-19 મહામારી વૈશ્વિક સ્તરે તેના સર્વોચ્ચ સ્તરે હતી ત્યારે દુનિયાભરમાંથી ભારતમાં USD 20 બિલિયન કરતાં વધારે રોકાણ પ્રાપ્ત થયું છે.

તેમણે કહ્યું કે, ભારતે કોવિડ-19 મહામારી સામે અનોખો અભિગમ અપનાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબો અને નાના વ્યવસાયોને રાહત અને પ્રોત્સાહક પેકેજો આપવામાં આવ્યા છે અને સાથે સાથે માળખાકીય સુધારા હાથ ધરવા માટેની આ તકથી વધુ ઉત્પાદકતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત થઇ શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે શિક્ષણ, શ્રમ અને કૃષિ ક્ષેત્રમાં સુધારાની ત્રિપુટીનો અમલ કર્યો છે. આ ત્રણેય ક્ષેત્રના સુધારા સાથે મળીને, લગભગ દરેક ભારતીય પર પ્રભાવ પાડે છે.

તેમણે કહ્યું કે, ભારતે શ્રમ અને કૃષિ ક્ષેત્રમાં જુના કાયદાઓમાં સુધારા સુનિશ્ચિત કર્યા છે. તેમણે ખાનગી ક્ષેત્રની ખૂબ મોટી સહભાગીતા સુનિશ્ચિત કરી છે જ્યારે સરકારની સલામતી પણ વધુ મજબૂત કરી છે અને તેનાથી રોકાણકારો તેમજ અમારા સખત પરિશ્રમ કરી રહેલા શ્રમિકો બંને માટે ફાયદાકારક પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાથી આપણા યુવાનોનું કૌશલ્ય વધુ ખીલી ઉઠશે અને તેના કારણે ભારતમાં વધુ વિદેશી યુનિવર્સિટીઓને આવવા માટેનો મંચ પણ તૈયાર થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાથી મોટી સંખ્યામાં શ્રમ સંહિતામાં ઘટાડો થયો છે અને કર્મચારીઓ તેમજ નોકરીદાતાઓ બંને માટે અનુકૂળ સુધારા છે અને આનાથી ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસની જરૂરિયાત વધુ સારી રીતે પરિપૂર્ણ થશે.

તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા ઘણા લાંબા ગાળાના છે અને તેનાથી ખેડૂતોને માત્ર વધુ વિકલ્પો મળશે તેવું નથી પરંતુ નિકાસને પણ વેગ મળશે. તેમણે કહ્યું કે, આ સુધારાઓથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાના આપણા પ્રયાસોને પણ વધુ સમર્થન મળશે અને આત્મનિર્ભરતાની દિશામાં કામ કરીને, આપણે વૈશ્વિક સારી અને સમૃદ્ધ સ્થિતિમાં યોગદાન આપી શકીશું.

તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારત શિક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી કરવાની સ્થિતિમાં છે, વિનિર્માણ અને સેવાઓમાં રોકાણ તેમજ કૃષિ ક્ષેત્રમાં સહયોગ કરવાની સ્થિતિમાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત – કેનેડા દ્વિપક્ષીય સંબંધો સહિયારા નાગરિક મૂલ્યો અને સંખ્યાબંધ સમાન હિતોથી આગળ વધેલા છે. તેમણે કહ્યું કે, આપણી વચ્ચે વ્યાપાર અને રોકાણના જોડાણો આપણા બહુ- આયામી સંબંધોનો અભિન્ન હિસ્સો છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, કેનેડા કેટલાક સૌથી મોટા અને સૌથી અનુભવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોનું ઘર છે. તેમણે કહ્યું કે, કેનેડાના પેન્શન ફંડ્સ એવા સૌથી પહેલાં ફંડ્સ હતા જેમણે ભારતમાં સીધુ જ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. તેમાંથી સંખ્યાબંધે ધોરીમાર્ગો, હવાઇમથકો, લોજિસ્ટિક્સ, ટેલિકોમ અને રીઅલ એસ્ટેટ જેવા બહુવિધ ક્ષેત્રોમાં ખૂબ જ મોટી તકો પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે, પરિપક્વ કેનેડિયન રોકાણકારો કે જેઓ વર્ષોથી ભારતમાં છે તેઓ હવે અમારા શ્રેષ્ઠ બ્રાન્ડ એમ્બેસેડર્સ બની શકે છે.

તેમનો અનુભવ, વિસ્તરણ કરવાની તેમની યોજનાઓ અને વૈવિધ્યતા અન્ય કેનેડિયન રોકાણકારોને પણ અહીં આવવા માટે સૌથી ભરોસાપાત્ર પૂરાવારૂપ સાબિત થઇ શકે છે. તેમણે વચન આપ્યું હતું કે, ભારતમાં આવતા કેનેડાના રોકાણકારોને કોઇપણ પ્રકારના અવરોધો કે બંધનોનો સામનો કરવો નહીં પડે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.