Western Times News

Gujarati News

સનરાઈઝર્સ હૈદરાબાદનો પંજાબ સામેે ૬૯ રને વિજય

દુબઈ: નિકોલસ પૂરન (૭૭)ને બાદ કરતા બેટ્‌સમેનોના ફ્લૉપ શોને લીધે કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૬૯ રનથી મોટો પરાજય સહન કરવો પડ્યો. ૨૦૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ ૧૬.૫ ઓવરમાં માત્ર ૧૩૨ રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ. પંજાબ માટે માત્ર ૩ બેટ્‌સમેનો ડબલ ફિગરમાં પહોંચી શક્યા. હૈદરાબાદ માટે રાશિદ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. ૨૦૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ બીજી જ ઓવરમાં સમસ્યાઓ ત્યારે શરૂ થઈ ગઈ જ્યારે મયંક અગ્રવાલ (૯) રનઆઉટ થયો. બાદમાં સિમરન સિંહ (૧૧) અને કેપ્ટન કે એલ રાહુલ (૧૧) આઉટ થતા ટીમનો સ્કોર ૩ વિકેટે ૫૮ રન થઈ ગયો હતો અને જીતની આશા ધૂંધળી થવા લાગી હતી.

આવામાં વિકેટકીપર બેટ્‌સમેન નિકોલસ પૂરને એક વિસ્ફોટક ઈનિંગ રમી ટીમની આશાઓ જીવંત કરી દીધી હતી. તેણે માત્ર ૧૭ બોલમાં ટૂર્નામેન્ટની ફાસ્ટેસ્ટ અર્ધસદી પૂરી હતી. જોકે, સામેન બાજુએથી તેને કોઈનો સાથ મળ્યો નહોતો. ઈનિંગ્સની ૧૫મી ઓવરમાં તેનો પ્રતિકાર પણ જવાબ આપી ગયો અને રાશિદ ખાને તેની વિકેટ લીધી. રાશિદે તેના પછીના બોલે પણ વિકેટ લઈ પંજાબને ઉપરાછાપરી ઝટકા આપ્યા હતા. પૂરનના આઉટ થયા બાદ પંજાબના બાકીના બેટ્‌સમેનો કોઈ જ પ્રતિકાર કરી શક્યા નહોતા અને ૧૯ બોલ બાકી રહેતા જ આખી ટીમ માત્ર ૧૩૨ રનમાં સમેટાઈ ગઈ હતી. ધમાકેદાર અંદાજમાં લીગની શરૂઆત કરનારી પંજાબની આ કુલ ૫મી અને સતત ચોથી હાર છે અને પૉઈન્ટ્‌સ ટેબલમાં તે અંતિમ સ્થાને યથાવત છે.

અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વૉર્નરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. એસઆરએચના બંને ઓપનર્સે શરૂઆતથી જ જબરદસ્ત ફટકાબાજી કરતા પંજાબના બોલર્સની ધોલાઈ કરી. વૉર્નર અને બેરસ્ટોએ ૧૫ ઓવરમાં ૧૬૦ રનની વિશાળ ભાગીદારી કરી પંજાબને ગેમમાંથી લગભગ બહાર કરી દીધું હતું. આ સમયે લાગતું હતું કે, હૈદરાબાદ આરામથી ૨૩૦-૨૪૦ રનનો સ્કોર બનાવશે પણ હૈદરાબાદની ઈનિંગ્સની ૧૬મી ઓવરમાં બાજી પલટાઈ ગઈ. પંજાબના બોલર રવિ બિશ્નોઈએ ૪ બોલમાં જ વૉર્નર અને બેરસ્ટોને આઉટ કરી દેતા પંજાબ ગેમમાં પરત આવી ગયું. બેરસ્ટો માત્ર ત્રણ રનથી સદી ચૂકી ગયો. તેણે ૫૫ બોલમાં ૭ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી શાનદાર ૯૭ રન બનાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.