Western Times News

Gujarati News

ઓનલાઈનમાં મોટાભાગના વિદ્યાર્થી ધ્યાન નથી આપતા

પ્રતિકાત્મક

અમદાવાદ: કોરોના મહામારીના કારણે રાજ્યભરની શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ અંગે રાજ્યના ૨૨૦૦ શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ તારણો સામે આવ્યા છે. ૫૬ ટકા શિક્ષકોનું માનવું છે કે નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓનલાઈન શિક્ષણ સામેનો સૌથી મોટો અવરોધ છે. ૪૪ ટકા શિક્ષકોના મતે ઓનલાઈન શિક્ષણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પૂરતુ ધ્યાન આપતા નથી. જ્યારે ૨૦ ટકા શિક્ષકોનું કહેવું હતું કે, તેમને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાં સમજાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

મહામારી ખતમ ન થાય ત્યાં સુધી વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે કે નહીં તે જાણવા માટે અગાઉ ઘણા સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગનાં વાલીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી રસી ન આવે અથવા સરકાર તેમના બાળકોની જવાબદારી લે તો જ તેવો આમ કરવા તૈયાર થશે. આ સર્વેમાં પણ વાલીઓની જેમ શિક્ષકોનું કહેવું છે કે, તેઓ રસી ન આવે ત્યાં સુધી શાળાએ જઈને જોખમ લેવા માગતા નથી. સર્વે પ્રમાણે ૪૫ ટકા શિક્ષકો રસી ન આવે ત્યાં સુધી સ્કૂલે જવા તૈયાર નથી.

સર્વેના પરિણામો અંગે એક્સ્ટ્રામાર્કસ એજ્યુકેશનના વેસ્ટ ઈન્ડિયાના જનરલ મેનેજર શૈશવ કાયસ્થે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા અંગે શિક્ષકોને કેટલો રસ ધરાવે છે અને તેઓ કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે તે જાણવા માટે ગુજરાતના ૨૨૦૦ શિક્ષકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાગ લેવા માટે ૨૫૦૦ શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી ૨૨૦૦એ જવાબ આપ્યો હતો. નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકબીજા સાથે વાતચીત કરવામાં સૌથી મોટો અવરોધ ઉભો કરી રહ્યા છે તેમ ૫૬ ટકા શિક્ષકોએ કહ્યું હતું. ટેકનિકલ સમસ્યાના કારણે ઘણીવાર શિક્ષકોને ક્લાસ કેન્સલ કરવા પડે છે,

તો કેટલાક વિદ્યાર્થીઓ પણ ઘણીવાર ક્લાસ ચૂકી જાય છે અથવા ચાલુ ક્લાસે કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પરેશાન થાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ દરરમિયાન શિસ્તતાનું પાલન ન કરતા હોવાની પણ શિક્ષકોની ફરિયાદ હતી. ૪૪ ટકા શિક્ષકોએ જણાવ્યું હતું કે, ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓ પૂરતનું ધ્યાન આપતા નથી. કેટલાક ચાલુ ક્લાસે ઊંઘી જાય છે, તો કેટલાક વારંવાર વોશરુમમાં જાય છે. આટલું જ નહીં કેટલાક ચાલુ ક્લાસ દરમિયાન સતત કંઈક ખાતા રહે છે. આવી હરકતો અન્ય વિદ્યાર્થીઓનું ધ્યાન પણ ભંગ કરે છે. ૫૭ ટકા શિક્ષકોના મતે ઓનલાઈન શિક્ષણ એક પડકારનજક કામ છે. ૩૫ ટકા શિક્ષકોનું માનવું છે કે તેમને ઓનલાઈન શિક્ષણ આપવામાં કોઈ સમસ્યા નથી. જો કે, ૪૫થી વધુની ઉંમરના શિક્ષકો માટે કોમ્પ્યુટર શીખવું અઘરુ હતું.

૪૫થી વધુની વય ધરાવતા ૭૭ ટકા શિક્ષકોએ સ્વીકાર્યું હતું કે, તેઓ કોમ્પ્યુટર અને લેપટોપથી કામ કરવા માટે ટેવાયેલા નથી તો ૭૫ ટકા શિક્ષકોએ કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગના લીધે તેમની ભણાવવાના પદ્ધતિમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. ઓનલાઈન ક્લાસના કારણે અંગત જીવનને અસર થઈ હોવાની વાત ૭૫ ટકા શિક્ષકોએ કરી હતી. ૪૫ ટકા શિક્ષકોએ કહ્યું હતું કે, તેમને પોતાની સુરક્ષાની વધુ ચિંતા છે, તેથી જ્યાં સુધી રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેઓ સ્કૂલે જવા માગતા નથી. ૨૨ ટકા શિક્ષકો સ્કૂલો શરુ થયા બાદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવા માગે છે. જ્યારે ૭૨ ટકા શિક્ષકોએ ઓનલાઈન અને ક્લાસરુમમાં ભણતર એમ બંને પર ભાર મૂક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.