Western Times News

Gujarati News

નરેન્દ્રભાઇનો શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે: મુખ્યમંત્રી

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો  શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે  સમગ્ર દેશ સહિત ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં વિકાસની રાજનીતિના યુગથી શ્રી નરેન્દ્રભાઈએ સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસને સાકાર કરી ગુડ ગવર્નન્સની નવી દિશા આપી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા છ મહિનામાં રાજ્યમાં રૂ.૧૧ હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન કરી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી  છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગરથી  વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જન સુખાકારી અને સુવિધાના અંદાજે  રૂ.૨૩૨  કરોડના કામોનું ઇ લોકાર્પણ ઈ શુભારંભ અને ઈ ખાતમુહૂર્તનો ડિજિટલી પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે વડોદરાને રૂ.૪૫૦ કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે. કોંગ્રેસ શાશનમાં  ફૂટી કોડીના મળતી અને લોકો વિકાસથી વંચિત રહેતા. અમે વિકાસની સરવાણી  સમગ્ર રાજ્યમાં વહાવી છે.

શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલે વડોદરાને વિકાસની અભૂતપૂર્વ સુવિધા નાણાકીય સહાયતાના રૂપમાં આપવા માટે મુખ્યમંત્રી શ્રી  વિજયભાઈ રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને ધન્યવાદ આપ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે ૧૦૦ વર્ષ જૂના પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવામાં આવે અને પાળાની સુધારણા કરાય તો આજવા સરોવર દ્વારા વડોદરાને બારેમાસ પૂરતું પાણી મળે.

વડોદરા મહાનગરપાલિકાએ આ કામગીરી માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. તેના અનુસંધાને યોગ્ય આયોજન માટે નર્મદા વિકાસ અને સિંચાઇ વિભાગ સાથે આવતા મંગળવારે બેઠક બોલાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની તમામ મહાનગર તેમજ નગરપાલિકાઓને દિવાળી પહેલા વરસાદ થી તૂટેલા અને નુકશાન પામેલા રસ્તાની સુધારણા કરવા સુચના આપી છે

જેને માટે જરૂરી નાણાં રાજ્ય સરકાર આપશે.  તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી રસ્તાઓ પર કચરો ફેંકનારા દુકાનદારો અને ફેરિયાઓ પાસેથી સૂચના પ્રમાણે શહેરના વોર્ડ અધિકારીઓ દંડ વસૂલી રહ્યાં છે. આ લોકોને છેક અંદરના ભાગોની મુલાકાત લઈ કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલ કરવા અનુરોધ કરું છું.

દર 15 દિવસે બેઠક યોજી આ કામગીરીની સમીક્ષા કરવા માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ધન્યવાદ આપ્યાં હતાં.

તેમણે એક જ મહિનામાં શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે વડોદરાને રૂ.૪૫૨ કરોડના વિકાસ કામોની આપેલી ભેટનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

વડોદરામહાનગરપાલિકાના મેયર ડો. જિગીષા શેઠે રૂ.૨૩૨ કરોડના વિકાસ કામોની ભૂમિકા આપતાં સહુને આવકાર્યા હતા.આ પ્રસંગે ધરમપુરા પ્લિંથ ક્વાર્ટરના લાભાર્થીઓને સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વેચાણ દસ્તાવેજો પ્રદાન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા, મનીષાબહેન વકીલ, શૈલેષ મહેતા, સીમાબેન મોહીલે, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  મ્યુનિસિપલ કમિશનર શ્રી પી. સ્વરૂપે આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.