Western Times News

Gujarati News

મેઘરજના ઈપલોડા દૂધ મંડળીને લોકોએ તાળું માર્યું

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં મોટા ભાગની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ વિવાદના વમળોમાં ફસાતી હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ઇપલોડા દુધ મંડળીમાં છેલ્લા એક વર્ષથી ઉચાપત અને કૌભાંડના મુદ્દે મંડળીના સભાસદો અને ચેરમેન-સેક્રેટરી વચ્ચેના વિવાદમાં કસ્ટોડીયન નીમાયા હતા પરંતુ સભાસદોની જાણ બહાર  જિલ્લા રજીસ્ટ્રારને મંડળીનો અહેવાલ સુપ્રત કરતા બુધવાર રાત્રે સભાસદો દ્વારા દૂધ મંડળીને તાળાબંધી કરી મંડળીમાં દુધ ભરાવવાનુ બંધ કરી કસ્ટોડીયન સામે સભાસદોએ વિરોધ દર્શાવ્યો હતો.સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત રહેતા શુક્રવારે જીલ્લા રજીસ્ટ્રાર કચેરીના કર્મીઓ અને સાબરડેરીના કર્મીઓ ઇપલોડા દૂધ મંડળીમાં પહોંચતા ગામ લોકોના ટોળેટોળા ઉમટતા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસની મદદ લેવામાં આવી હતી

મેઘરજ તાલુકાના ઇપલોડા ગામની ઈપલોડા દુધ ઉત્પાદક સ.મંડળીમાં છેલ્લા એક વર્ષથી ઊચાપત અને કૌભાંડ મૂદ્દે વિવાદ ચાલી રહ્યો છે આ અંગે જીલ્લા રજીસ્ટ્રાર અને કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિવાદિત મંડળીના વહીવટ માટે સાબરડેરીના સી. ઓફિસરની નીમણુક કરવામાં આવી હતી. જે વહીવટદારે જિલ્લા રજિસ્ટ્રારને રીપોર્ટ કર્યો હતો કે તા. ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટરને આપવામાં આવેલ આવેદનમાં કરવામાં આવેલ સભાસદોની સહીઓ અને રજુઆત ખોટી છે અને રીપોર્ટ પણ ખોટો છે

તેવો ખોટો અહેવાલ જિલ્લા રજિસ્ટ્રારને મોકલતા સભાસદોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બુધવારે મોડીરાત્રીએ ગ્રામજનો અને સભાસદો મંડળીમાં એકત્ર થઈ કથળેલા દૂધ મંડળીના વહિવટથી ત્રસ્ત આવી દુધ મંડળીને તાળાબંધી કરી હતી અને જ્યા સુધી કસ્ટોડિયન યોગ્ય અને ન્યાયિક રીપોર્ટ રજુ ન કરે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળુ ખોલવામાં આવશે નહી તેવુ સભાસદોએ જણાવ્યુ હતુ.

તેમજ કસ્ટોડિયને સભાસદોની જાણ બહાર જિલ્લા રજિસ્ટ્રારને બારોબાર અહેવાલ સુપરત કરી દેવાતા સભાસદોમાં ઊગ્ર રોષ ફેલાયો છે અને  આ વિવાદનો યોગ્ય અંત ન આવે અને સભાસદોને યોગ્ય ન્યાય ન મળે તો ફરીથી જિલ્લા રજિસ્ટ્રાર અને ઉચ્ચ કક્ષાએ આવેદન આપી રજુઆત કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઊચ્ચારી હતી.  લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.