Western Times News

Gujarati News

દર્દીનાં મોત બાદ જીવિતના સગાને ફોન કરી દેતા હોબાળો

સુરેન્દ્રનગર: એક સરખા નામથી ક્યારેક કેવી મુશ્કેલી સર્જાતી હોય છે તેનો તાજો દાખલો સુરેન્દ્રનગરની ટીબી/સી.યુ.શાહ કોવિડ હૉસ્પિટલમાં બન્યો છે. અહીં એક સરખું નામ ધરાવતી બે વ્યક્તિને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિનું નિધન થયું હતું. જે બાદમાં હૉસ્પિટલના સત્તાવાળાઓએ જે દર્દી જીવિત હતો તેમના પરિવારને મોતની જાણ માટેનો ફોન કરી દીધો હતો. વ્યક્તિના પરિવારના લોકો જ્યારે હૉસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વજન જીવિત હોવાનું જાણીને હાશકારો અનુભવ્યો હતો. જોકે, તંત્રએ મૃત્યુ થયાનો ફોન કર્યો હોવાથી હૉસ્પિટલ ખાતે હોબાળો મચી ગયો હતો.

આખરે તંત્રને પોતાની ભૂલ સમજાઈ હતી અને આખો મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાત એમ છે કે સુરેન્દ્રનગરની સીયુ શાહ કોવિડ હૉસ્પિટલ ખાતે ઇશ્વરભાઈ નામના બે દર્દી દાખલ હતા. જેમાંથી એક ઇશ્વરભાઈનું નિધન થતાં તંત્રએ તેમના પરિવારના લોકોને જાણ કરી હતી. જે બાદમાં રોકકળ કરતો પરિવાર હૉસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જોકે, આ સમયે પોતાના સ્વજનને જીવતા જોઈને પરિવારને હાશકારો થયો હતો. હકીકતમાં તંત્રએ જે ઇશ્વરભાઈ જીવતા હતા તેમના પરિવારને ફોન કરી દીધો હતો. એટલે કે તંત્રએ જીવતો હતો તે દર્દીને મૃત જાહેર કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે છેલ્લા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી ઇશ્વરભાઇ ગોવિંદભાઈને સારવાર માટે ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે બાદમાં તેમને સી.યુ.શાહ ખાતે કોવિડ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૧ દિવસથી તેઓની સારવાર ચાલી રહી છે. આજે હૉસ્પિટલમાંથી દર્દીના પુત્ર પ્રહલાદભાઈ ઉપર ફોન આવ્યો હતો કે ઓક્સિજનના અભાવે તમારા પિતાની તબિયત લથડી છે અને તેમનું નિધન થયું છે. ફોન આવતા જ પ્રહલાદભાઈ પરિવારજનો સાથે હૉસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પરિવારે હોસ્પિટલમાં તપાસ કરતા તેમના પિતા ઇશ્વરભાઇ જીવિત જોવા મળ્યા હતા. પ્રહલાદભાઈએ આ વાત હૉસ્પિટલના તંત્રને કરતા તેમણે તપાસ કરતા બીજા એક દર્દી ઇશ્વરભાઈ વસંતભાઈનું મોત થયાનું ખુલ્યું હતું. આ ઘટના બાદ હૉસ્પિટલ ખાતે હોબાળો મચી ગયો હતો. આ મામલે મીડિયાને જાણ કરવાનું કહેતા સત્તાવાળાઓએ માફી માંગીને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.