Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી 11 ઓક્ટોબરના રોજ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક રીતે વિતરણ કરશે

6.62 લાખ ગામડાંઓને ચાર વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે

ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા માટે અને લાખો ભારતીયોને સશક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલી ઐતિહાસિક કવાયતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક વિતરણ કરશે.

આ પ્રારંભના કારણે અંદાજે એક લાખ મિલકત ધારકોને તેમના મોબાઇલ નંબર ઉપર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંકના માધ્યમથી તેમના પ્રોપર્ટી કાર્ડ્સ ડાઉનલોડ કરી શકશે.

ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા તેમની મિલકતો માટે ભૌતિકરૂપે પણ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવશે. આ લાભાર્થીઓમાં છ રાજ્યોના 763 ગામડાંના લોકોને સમાવી લેવામાં આવ્યા છે

જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના બે ગામનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર સિવાય આ તમામ રાજ્યોના લાભાર્થીઓને એક દિવસમાં તેમના પ્રોપર્ટી કાર્ડની ભૌતિક નકલ પ્રાપ્ત થઇ જશે જ્યારે મહારાષ્ટ્રમાં ખૂબ જ નજીવા ખર્ચે પ્રોપર્ટી કાર્ડ મેળવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી તેમાં એક મહિના જેટલો સમય લાગશે.

આ કવાયતથી ગ્રામવાસીઓ તેમના ધિરાણ અથવા અન્ય આર્થિક લાભો મેળવવા માટે આર્થિક અસ્કયામત તરીકે તેમની મિલકતોનો ઉપયોગ કરવા માટે સમર્થ થઇ શકશે.

આ ઉપરાંત, અત્યાર સુધીમાં પ્રથમ વખત જ આટલા મોટાપાયે આવી કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વસતા લાખો મિલકત ધારકો સુધી લાભો પહોંચાડવા માટે ટેકનોલોજીના અદ્યતન માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.