Western Times News

Gujarati News

સેટેલાઈટમાં દારૂના નશામાં યુવાન વહેપારીએ અકસ્માત સજર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર સજાગ બની રહયું છે અને શહેરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે પોલીસની કામગીરી છતાં નશાખોરો દારૂ પીને રસ્તા પર ફરતા જાવા મળી રહયા છે આવા નશાખોરોને ઝડપી લેવા માટે પોલીસતંત્ર દ્વારા વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહયું છે.

આ પરિસ્થિતિ વચ્ચે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે દારૂ પીને ગાડી ચલાવતા એક શખ્સે અકસ્માત સર્જતા ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં


એક તબક્કે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાર ચાલકની ધરપકડ કરી કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે દારૂ પીને વાહનો ચલાવતા નશાખોરોને ઝડપી લેવા માટે ઠેરઠેર ચેક પોઈન્ટો ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવી રહયું છે.

આ દરમિયાનમાં રાત્રિના ૯.૩૦ વાગ્યાની આસપાસ સેટેલાઈટ પોલીસ સ્ટેશન હેઠળના જાધપુર આગળ એક ચોંકાવનારો બનાવ બન્યો હતો આ રસ્તા પર રાત્રિના સમયે લકઝરી બસોના કારણે ભારે અવરજવર રહેતી હોય છે અને મોટી સંખ્યામાં નાગરિકો અહિયા આવે છે આ દરમિયાનમાં માનસી સર્કલ તરફથી એક વર્ના કાર જાધપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી.

વિશ્વકર્મા સોસાયટીના મુખ્ય દરવાજા આગળ અચાનક જ કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર બંગલાની દિવાલ સાથે અથડાતા સ્થાનિક નાગરિકો સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવતા બહાર દિવાલ સાથે કાર અથડાયેલી જાવા મળી હતી આ ઉપરાંત આ રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો પણ દોડી આવ્યા હતાં.

કારની અંદર તપાસ કરતા તેનો ચાલક નશાની હાલતમાં બેઠેલો જાવા મળ્યો હતો જેના પરિણામે નાગરિકો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં

સેટેલાઈટ પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને પુછપરછ કરતા આ શખ્સનું નામ સંજય મણિભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું અને તે પોતે પણ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તપાસ કરતા તે દારૂ પીધેલી હાલતમાં જાવા મળ્યો હતો જેના પરિણામે પોલીસે ગાડીની ઝડતી લેવાની તપાસ કરતા ગાડીમાંથી દારૂ ભરેલી બોટલ મળી આવી હતી.

પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સંજય ફેબ્રિકેસનનો વહેપારી છે. સદ્‌નસીબે આ અકસ્માતમાં કોઈ ને ઈજા પહોંચી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.