Western Times News

Gujarati News

અમદાવાદમાં કોરોના સિવાય અન્ય કોઈ રોગચાળો નથી

પ્રતિકાત્મક

ચિકનગુનિયાના કેસ વધ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા છ મહિનાથી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાવા બાદ અત્યાર સુધી ૩૫ હજાર કરતા વધુ કેસ અને ૧૭૦૦ કરતા વધુ મરણ કન્ફર્મ થયા છે. જ્યારે બીજી તરફ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળા જેવા પરંપરાગત રોગ નામશેષ થઈ રહ્યાં છે.તેમજ શહેરમાં કોરોના સિવાય અન્ય કોઈ રોગચાળો નથી.

આ દાવો અમે નહિં પરંતું મ્યુનિ.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિના સુધી પરંપરાગત સીઝનેબલ રોગના કેસની સંખ્યા માંડ ચાર હજાર થઈ છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના આ દાવો શંકાના દાયરામાં આવી રહ્યો છે. તેમજ તાવ, ડાયેરીયા વગેરેના દર્દીઓને કોરોના દર્દી જાહેર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

શહેરમાં ઉનાળાની સીઝન શરૂઆત થવાની સાથે જ ઝાડા-ઉલ્ટી અને કમળાના કેસ મોટી સંખ્યામાં નોંધાય છે. જ્યારે વરસાદના એકાદ-બે ઝાપટા બાદ તાવના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. રોગચાળાની આ પેટર્ન વર્ષોથી ચાલી આવે છે. જેમાં ૨૦૧૯ સુધી કોઈ જ ફેરફાર થયા ન હતા.

પરંતુ ૨૦૨૦માં કોરોનાના આગમન સાથે જ પરંપરાગત રોગચાળો મનપાના ચોપડેથી નાબુદ થઈ ગયો છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના દાવા મુજબ ૨૦૨૦માં જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધી સાદા તાવના ૪૩૧, ઝેરી મેલેરીયાના ૩૪, કમળાના ૫૩૭, ટાઈફોઈડના ૯૫૦, કોલેરાના શૂન્ય, ડેન્ગ્યુના ૨૫૨, ચિકનગુનિયાના ૧૯૦ તથા ઝાડા-ઉલ્ટીના ૧૭૪૧ કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા નવ મહિના દરમ્યાન પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કુલ ૪૧૩૫ કેસ જ નોંધાયા છે. જેની સામે ૨૦૧૯માં આ જ સમયગાળા દરમ્યાન સાદા મેલેરીયાના ૩૪૩૬, ઝેરી મેલેરીયાના ૧૦૯, ડેન્ગ્યુના ૧૯૬૬ તથા ચિકનગુનિયાના ૧૭૭ કેસ નોંધાયા છે.૨૦૨૦ માં એકમાત્ર ચિકનગુનિયા ના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ચિકનગુનિયા ના ૧૯૦ કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાના આગમન પહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના આંકડા પર દૃષ્ટિવાન કરીએ તો ખૂબ જ મોટો તફાવત જાેવા મળે છે. ૨૦૨૦માં જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી ઝાડા-ઉલ્ટીના ૧૩૨૭, ટાઈફોઈડના ૫૫૭, કમળાના ૩૮૬, કોલેરાના શૂન્ય, સાદા મેલેરીયાના ૬૬, ઝેરી મેલેરીયાના ૦૭, ડેન્ગ્યુના ૧૩૮ તથા ચીકનગુનિયાના ૪૧ કેસ નોંધાયા હતા. આમ, પ્રથમ ત્રણ મહિના દરમિયાન પરંપરાગત રોગચાળાના કુલ ૨૫૨૨ કેસ નોંધાયા હતા.

જ્યારે તે પછી પાંચ મહિનામાં માત્ર ૧૦૫૦ કેસ જ નોંધાયા છે.મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થાય તે વાત ગળે ઉતરે તેમ નથી.કોરોનાના જેટલા કેસ એક મહિનામાં નોંધાયા છે

જયારે પાણી અને મચ્છરજન્ય રોગના તેના કરતાં પણ ઓછા કેસ નવ મહિનામાં નોંધાયા હોવાનો દાવો થઈ રહ્યો છે મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દિશામાં કોઈ જ કામગીરી થઈ નથી તો પછી કેસની સંખ્યામાં ઘટાડો કેવી રીતે થાય? જો મચ્છરોની ઉત્પત્તિ અને રોગચાળો નિયંત્રણ માં હોય તો આઇ. આર. સ્પ્રે અને ખાનગી ફોગીંગ ના કોન્ટ્રાક્ટ આપવાની જરૂર શુ છે? મેલેરીયા વિભાગના કર્મચારીઓને પણ કોરોના કામગીરી કરી રહ્યા છે. ફોગીંગ તથા દવા છંટકાવની કામગીરી લગભગ બંધ છે. તેમ છતાં તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.મ્યુનિ.કોર્પોરેશને તાવ અને ઝાડા-ઊલ્ટીના દર્દીઓની ગણતરી પણ કોરોનામાં કરી હોય છે તેમ લાગી રહ્યું છે. કોરોનાના લક્ષણોમાં આ બંનેનો પણ સમાવેશ થાય છે. તેથી આ મામલે આંકડા છુપાવવા વિના સચોટ હકીકત જાહેર કરવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.