Western Times News

Gujarati News

કોરોના વાયરસની તસવીર દુનિયા સામે પહેલીવાર આવી

બેઈઝિંગ: કોરોના વાયરસ રોગચાળાને સમાપ્ત કરવા માટે રસીની શોધ કરતી દુનિયા માટે ખૂબ જ સારા સમાચાર છે. ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ વિશ્વમાં પહેલીવાર આ કિલર વાયરસની તસવીરો બનાવી છે. આ તસવીરોથી કોરોના વાયરસ અંગે ઘણા મોટા ઘટસ્ફોટ થયા છે. તસવીરો દર્શાવે છે કે કોરોના વાયરસ નુકીલા આકારનો છે. એટલું જ નહીં, કોરોના વાયરસની માનવ કોષો સાથે અંતઃ ક્રિયાનો પણ ખુલાસો થયો છે. કોરોના વાયરસની તસવીરો સામે આવતા વૈજ્ઞાનિકોને હવે આ રોગચાળાને સમાપ્ત કરવા માટે રસી બનાવવામાં મોટી મદદ મળી રહી છે. ચીનની ત્સિગુઆ યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ ડૉક્ટર સાઇ લી હંગઝોઉની બાયોસેફ્ટી લેબમાં વાયરસ એક્સપર્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આખી દુનિયામાં કોરોનાને કારણે ૧૦ લાખ કરતા પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસની તસવીરો જાહેર થયા બાદ વૈજ્ઞાનિકોને હવે આશા છે કે કોરોનાની રસી અને કોરોનાની સારવાર શોધી શકાશે. ચીનની ત્સિગુઆ યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ ડૉક્ટર સાઇ લી હંગઝોઉની બાયોસફ્ટી લેબમાં વાયરસ નિષ્ણાતો સાથે મળીને કામ કરી રહ્યા છે. નિષ્ણાતો લેબની અંદર કોરોના વાયરસ તૈયાર કરી રહ્યા છે. આ નિષ્ણાતોએ કોરોના વાયરસને કેમિકલની અંદર નાખ્યા જેથી તે કોઈ નુકસાન ન પહોંચાડી શકે. ત્યારબાદ વાયરસથી ભરેલું પ્રવાહી ડૉ. લીનને મોકલ્યું હતું. લી અને તેમની ટીમે વાયરસથી ભરેલા પ્રવાહીને એક ડ્રોપની અંદર મૂક્યું.

ત્યારપછી લી અને તેની ટીમે ક્રયો-ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપથી વાયરસને જોયો. લીએ ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં એક સ્ક્રીન જોઈ, જે સંપૂર્ણપણે કોરોના વાયરસથી ભરેલી હતી, તે દેખાવામાં એક ઈંચના એક મિલિયનના ભાગ કરતા પણ ઓછી હતી. તેમણે કહ્યું, ‘હું સમજું છું કે હું વિશ્વનો પહેલો વ્યક્તિ છું જેણે વાયરસને આટલી નજીકથી જોયો છે.’ લીની આ તસવીરોથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, વાયરસના કેટલાક પ્રોટીન માનવ કોષોમાં કેવી રીતે ઘૂસી જાય છે.

આ તસવીરોથી વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યું છે કે કેવી રીતે દૂષિત જીન્સ માનવ બાયોકેમિસ્ટ્રીને પકડે છે. સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે કેટલાક વાયરલ પ્રોટીન આપણા સેલ્યુલર (સજીવ કોષ) ફેક્ટરી પર કહેર મચાવે છે, અને અન્ય વાયરલ પ્રોટીન નવા વાયરસ બનાવવા માટે નર્સરી બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.