Western Times News

Gujarati News

૨૦૨૧ની શરૂઆતમાં દેશમાં વેક્સિન ઉપલબ્ધ હશે : હર્ષવર્ધન

નવી દિલ્હી: દેશમાં કોરોના રસી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તે આવતા વર્ષના પ્રારંભમાં બજારમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી રસીની રેસમાં ઘણી આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા સ્વદેશી કોરોના વેક્સીનની રસીની ટ્રાયલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, ૨૦૨૧ની શરૂઆતમાં ભારતમાં એક કરતા વધુ વેક્સીન હોવાની આશા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન દ્વારા આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આ માહિતી આપવામાં આવી. આરોગ્ય પ્રધાનને જણાવ્યું છે કે, ‘અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષના પ્રારંભ સુધીમાં દેશને એક કરતા વધુ કોરોના રસી મળી શકે છે. અમારા નિષ્ણાતો વેક્સીન ડિસ્ટ્રીબ્યુશન માટે વિચારી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી કે જીવલેણ કોરોના વાયરસની રસી રજિસ્ટ્રેશન માટે ૨૦૨૦ના અંત સુધીમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું, ‘તમે જાણો છો કે ૪૦ રસી કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલના ઘણા તબક્કામાં છે. આમાંથી ૧૦ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. આ રસીઓ પણ સલામત હોવાનું જણાય છે અને પરીક્ષણોમાં સારા પરિણામ મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હર્ષવર્ધને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પાસેથી ડેટા મેળવી રહી છે જેથી રસી તૈયાર થાય

ત્યારે યોગ્ય રીતે વહેંચી શકાય. તેમણે કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા એ છે કે દેશમાં તમામ કોરોના રસી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય. થોડા મહિનામાં કોવિડ -૧૯ રસી ઉપલબ્ધ થવાની શક્યતા સાથે સરકારે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજની ઓળખ શરૂ કરી દીધી છે. આનો હેતુ દેશભરમાં રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. સુત્રો મુજબ એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ ક્ષેત્રની ખાનગી અને સરકારી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. આ સાથે જ સ્વિગી અને જોમાટો જેવી કંપનીઓ જે ઘરે ઘરે ફૂડ પાર્સન પહોંચાડે છે

તેના પણ સંપર્કમાં છે. આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય તાલુકા કક્ષાએ રેફ્રિજરેટર્સ, કોલ્ડ સ્ટોરેજ વગેરેની વ્યવસ્થા કરવાનો છે જે રસી સંગ્રહિત કરી શકે છે અને તેનું વિતરણ કરી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે રસી વિતરણ માટેની યોજના આગામી સપ્તાહે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.