Western Times News

Latest News from Gujarat

વીસ રાજ્યોને રૂ. 68,825 કરોડ એકત્રિત કરીને કાર્યમાં પ્રવૃત્ત કરવા મંજૂરી આપવામાં આવી

PIB Ahmedabad, નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા આજે 20 રાજ્યોને મુક્ત બજારમાંથી ધિરાણ દ્વારા રૂપિયા 68,825 કરોડની વધારાની રકમ ઉભી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

જે રાજ્યોએ GSTના અમલીકરણના કારણે ઉભી થયેલી નાણાંની અછતને પહોંચી વળવા માટે નાણાં મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા બે વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ પસંદ કર્યો હતો તેવા રાજ્યોને કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદ (GSDP) ના 0.50%ના ધોરણે વધારાનું ધિરાણ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

27 ઑગસ્ટ 2020ના રોજ યોજાયેલી GST પરિષદની બેઠકમાં આ બે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 29 ઑગસ્ટ 2020ના રોજ રાજ્યોને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વીસ રાજ્યોએ વિકલ્પ -1ને પ્રાધાન્યતા આપી હતી.

આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ છે. આઠ રાજ્યોએ હજુ કોઇપણ વિકલ્પ પસંદ કરવાનો બાકી છે.

જે રાજ્યોએ વિકલ્પ -1 પસંદ કર્યો છે તેમને આપવામાં આવેલી સુવિધાઓ નીચે મુજબની બાબત સામેલ છે:

આવકમાં થયેલા ઘટાડા જેટલી રકમનું ડેબ્ટ ઇશ્યુ દ્વારા ધિરાણ લેવા માટે નાણાં મંત્રાલયના સંકલન દ્વારા વિશેષ ધિરાણ લેવાનો અવકાશ.

કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા સુધારાની શરતોમાંથી મુક્તિ આપીને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી વધારાના GSDPના 2% ધિરાણની મંજૂરીમાંથી, 0.5%ના અંતિમ હપતાનું ધિરાણ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

ખર્ચ વિભાગે 17 મે 2020ના રોજ રાજ્યોને GSDPના 2% સુધી વધારાનું ધિરાણ લેવાની મર્યાદા પૂરી પાડી હતી. 2%ની આ મર્યાદાનો અંતિમ 0.5%નો અંતિમ હપતો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર સુધારામાંથી ઓછામાં ઓછા ત્રણ સુધારા કરવા સાથે સાંકળવામાં આવ્યો હતો.

જોકે, જે રાજ્યોએ વિકલ્પ- 1 પસંદ કર્યો હોય તેમના માટે, GSTના અમલીકરણના કારણે આવકમાં થયેલા ઘટાડાને પહોંચી વળવા માટે, GSDPના 0.5%નો અંતિમ હપતો મેળવવા માટે સુધારા કરવાની શરત પૂર્ણ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

આમ, જે રાજ્યોએ વિકલ્પ- 1 પસંદ કર્યો છે, તેઓ મુક્ત બજારમાંથી ધિરાણ મારફતે રૂ. 68,825 કરોડની રકમ ઉભી કરવા માટે યોગ્યતા ધરાવે છે. વિશેષ ધિરાણ અવકાશ માટેના પગલાં અલગથી લેવામાં આવ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers