Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથા ‘દેહ વેચાવા કારણી’નું વિમોચન કર્યું

પ્રવરા ગ્રામીણ શિક્ષણ સોસાયટીનું નામ પરિવર્તન કરીને ‘લોકનેતે ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ પ્રવરા ગ્રામીણ શિક્ષણ સોસાયટી’ કર્યું- ડૉ. બાળાસાહેબ વિખે પાટિલના પ્રયાસો અને તેમનું પ્રદાન આવનાર પેઢીઓને સતત પ્રેરિત કરતું રહેશેઃ પ્રધાનમંત્રી (PM releases the autobiography of Dr. Balasaheb Vikhe Patil titled ‘Deh Vechwa Karani’)

Ahmedabad,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથા ‘દેહ વેચાવા કારણી’નું વિમોચન કર્યું હતું. તેમણે પ્રવરા ગ્રામીણ શિક્ષણ સોસાયટીનું નામ પરિવર્તન કરીને ‘લોકનેતે ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ પ્રવરા ગ્રામીણ શિક્ષણ સોસાયટી’ કર્યું હતું. (Prime Minister Shri Narendra Modi released the autobiography of Dr. Balasaheb Vikhe Patil titled ‘Deh Vechwa Karani’ today through video conferencing. He renamed Pravara Rural Education Society as ‘Loknete Dr. Balasaheb Vikhe Patil Pravara Rural Education Society’.)

આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને મહારાષ્ટ્રના દરેક વિસ્તારમાં વિખે પાટિલના જીવન સાથે જોડાયેલી એક અથવા બીજી વાત જાણવા મળશે. તેમણે કહ્યું હતું કે, બાળાસાહેબ વિખે પાટિલે એમના જીવનનો આદર્શ ડૉ. વિઠલરાવ વિખે પાટિલને માનતા હતા અને એમના પદચિહ્નો પર ચાલ્યાં હતાં તેમજ પોતાનું જીવન મહારાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કરી દીધું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વિખે પાટિલના જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો – ગ્રામીણ રહેવાસીઓ, ગરીબો, ખેડૂતોના જીવનને વધારે સરળ બનાવવું અને તેમની સમસ્યાઓમાં ઘટાડો કરવો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિખે પાટિલજી સમાજના ઉત્થાન માટે હંમેશા કામ કરતાં હતાં અને રાજકારણને સમાજમાં અર્થસભર પરિવર્તનો લાવવા માટેનું માધ્યમ બનાવવા તેમજ રાજકારણ થકી ગરીબો અને ગામડાઓની સમસ્યાઓનું સમાધાન કરવા હંમેશા ભાર મૂકતાં હતાં. તેમણે કહ્યું હતું કે, બાળાસાહેબ વિખે પાટિલનો આ અભિગમ તેમને અન્ય રાજકારણીઓથી અલગ બનાવતો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથા આપણા તમામ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમણે ગામડાઓના વિકાસ માટે કરેલા પ્રયાસો અને તેમનું પ્રદાન, ગરીબોના ઉત્થાન માટે અને તેમને સાક્ષર બનાવવા માટે તેમની મહેનત, મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રને પ્રાપ્ત થયેલી સફળતામાં તેમનું પ્રદાન આગામી પેઢીઓને સતત પ્રેરિત કરતું રહેશે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ ગરીબો અને ખેડૂતોની સમસ્યાઓ અને પીડાને સારી રીતે સમજતા હતા. એટલે તેમણે નાનાં-મોટાં ખેડૂતોને એકજૂથ કર્યા હતા, તેમને સહકારી મંડળીઓ સાથે જોડી દીધા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અટલજીની સરકારમાં મંત્રી તરીકે તેમણે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા વિસ્તારોમાં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે દેશમાં ગ્રામીણ શિક્ષણની ચર્ચા થતી નહોતી, ત્યારે ડૉ. બાળાસાહેબ વિખે પાટિલે પ્રવરા ગ્રામીણ શિક્ષણ સોસાયટી મારફતે ગામડાઓમાં યુવાનોને શિક્ષણ આપીને સક્ષમ બનાવવા માટે કામ કર્યું હતું. આ સોસાયટી દ્વારા તેમણે ગામડામાં યુવા પેઢીને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે સજ્જ કરવા માટે ઉદાત્ત કામગીરી કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિખે પાટિલજી ગામડામાં કૃષિ ક્ષેત્રમાં શિક્ષણનું મહત્ત્વ સારી રીતે સમજતા હતા. અત્યારે ખેડૂતોને ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય અને તેમને ઉદ્યોગસાહસિક બનવામાં મદદરૂપ થાય એવી નીતિઓ બનાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશને આઝાદી મળી હતી, ત્યારે દેશવાસીઓ માટે પૂરતા ખાદ્યાન્નની ખેંચ હતી અને તત્કાલિન સરકારની પ્રાથમિકતા પાકની ઉત્પાદકતા કેવી રીતે વધારવી એ હતી. પણ ઉત્પાદકતાની આ ચિંતામાં ખેડૂતોની નફાકારકતા પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે, હવે દેશમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે તથા આ દિશામાં સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે, જેમ કે એમએસપી વધારવાનો નિર્ણય લેવાયો છે, યુરિયાનું નીમ કોટિંગ કરવામાં આવે છે અને ખેડૂતોને પાક વીમાની સુવિધા આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી – કિસાન સમ્માન નિધિ યોજના જેવી સરકારની પહેલોને કારણે ખેડૂતોને હવે નાનાં નાનાં ખર્ચાઓ માટે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડતું નથી. ઉપરાંત કોલ્ડ ચેઇન, મેગા ફૂડ પાર્ક અને એગ્રો-પ્રોસેસિંગ માળખું જેવી માળખાગત સુવિધાઓ વધારવા અભૂતપૂર્વ રીતે કામગીરી ચાલુ છે.

બાળાસાહેબ વિખે પાટિલે કૃષિ ક્ષેત્રમાં પરંપરાગત જાણકારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં ખેતીવાડીને કુદરતી સ્થિતિસંજોગો મુજબ હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે કૃષિ ક્ષેત્ર સાથે આપણા પરંપરાગત જ્ઞાનને જાળવી રાખવું પડશે તથા કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા આ પરંપરાગત જાણકારી અને અત્યાધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવો પડશે. આ માટે તેમણે શેરડીના પાકનું ઉદાહરણ ટાંક્યું હતું, જેમાં શેરડીની ખેતી કરવા માટે જૂની અને નવી એમ બંને પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે શેરડીમાંથી ખાંડ અને ઇથેનોલ એમ બંને મેળવવા માટે ઉદ્યોગો સ્થાપિત થયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ મહારાષ્ટ્રના ગામડાઓમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી જેવી સમસ્યાઓનું સમાધાન કરવા હંમેશા પ્રયાસરત રહ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં 26 પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યાં છે, જે વર્ષોથી વિલંબમાં મૂકાયા હતા. એમાંથી 9 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. તેમણએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સાથે આશરે 5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ મળશે.

તેમણે જણાવ્યું હતું કે, જુલાઈ, 2018ની જેમ મહારાષ્ટ્રમાં વધુ 90 મોટા અને નાનાં સિંચાઈ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે આ પ્રોજેક્ટ આગામી 2થી 3 વર્ષમાં પૂર્ણ થશે, ત્યારે આશરે 4 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, અટલ ભૂગર્ભજળ યોજનાનો અમલ મહારાષ્ટ્રમાં 13 જિલ્લાઓમાં થઈ રહ્યો છે, જ્યાં ભૂગર્ભજળના સ્તર અતિ નીચે ઉતરી ગયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જલજીવન અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રમાં ગામડાઓમાં દરેક ઘરને પાઇપ મારફતે પીવાનું પાણી પૂરું પાડવા માટેની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ગયા વર્ષ દરમિયાન મહારાષ્ટ્રનાં 19 લાખથી વધારે ઘરને પાઇપ મારફતે પીવાના પાણીની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. એમાંથી 13 લાખથી વધારે ગરીબ ઘરોને કોરોના રોગચાળા દરમિયાન આ સુવિધા મળી છે.

તેમણે જણાવ્યું હતું કે, મુદ્રા યોજનાથી ગામડામાં સ્વરોજગારીની તકોમાં વધારો થયો છે. દેશમાં સ્વયં સહાય જૂથ સાથે સંબંધિત 7 કરોડથી વધારે મહિલાઓને 3 લાખ કરોડ રૂપિયાથી વધારેની લોન આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે ખેડૂતો, માછીમારોને બેંકોમાંથી સરળતાપૂર્વક લોનની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. અગાઉ કિસાન ક્રેડિટ કાર્ડથી વંચિત આશરે અઢી કરોડ નાનાં ખેડૂત પરિવારોને હવે આ સુવિધા પ્રાપ્ત થઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગામડાઓમાં રહેતાં ગરીબોમાં આત્મવિશ્વાસ વધવાથી આત્મનિર્ભરતા માટેનો નિર્ધાર વધારે મજબૂત થશે. બાળાસાહેબ વિખે પાટિલ ગામડાઓમાં રહેતાં લોકોમાં સ્વનિર્ભરતા કે આત્મનિર્ભરતાની ભાવના લાવવા ઇચ્છતાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.