Western Times News

Gujarati News

હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિગ્સનો ૨૦ રને વિજય

દુબઈ: શેન વોટસન, અંબાતી રાયડુની મહત્વની ઈનિંગ્સ તથા રવીન્દ્ર જાડેજાની આક્રમક બેટિંગ બાદ બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે દુબઈમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૨૦ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં ચેન્નઈનો આ ત્રીજો વિજય છે. દુબઈ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ હૈદરાબાદ સામે ૧૬૮ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં કેન વિલિયમ્સને લડાયક અડધી સદી ફટકારી હોવા છતાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૭ રન જ નોંધાવી શકી હતી. વિલિયમ્સને ૩૯ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા.

અગાઉ ધોનીસેનાએ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે ચાર ઓવરમાં જ ડેવિડ વોર્નર અને મનીષ પાંડેની મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. વોર્નર નવ અને પાંડે ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ જોની બેરસ્ટોએ કેન વિલિયમ્સન સાથે મળીને બાજી સંભાળી હતી. જોકે, બેરસ્ટો પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવી શક્યો ન હતો અને ૨૩ રન નોંધાવીને આઉટ થયો હતો.

જોકે, વિલિયમ્સને એક છેડો સંભાળી રાખ્યો હતો અને ચેન્નઈને લડત આપી હતી. પરંતુ સામે છેડે નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી જેના કારણે જરૂરી રન રેટ વધી ગયો હતો. વિલિયમ્સને લડાયક અડધી સદી ફટકારતા ૩૯ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૫૭ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત પ્રિયમ ગર્ગે ૧૬, વિયજ શંકરે ૧૨ અને રાશિદ ખાને ૧૪ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે ડ્‌વેઈન બ્રાવો અને સંદીપ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે સેમ કરન, રવીન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુરને એક-એક સફળતા મળી હતી. અગાઉ શેન વોટસન અને અંબાતી રાયડુની મહત્વની ઈનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૬૮ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૨૯મી મેચમાં ચેન્નઈ અને હૈદરાબાદની ટીમ આમને સામને થઈ હતી. જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૭ રન નોંધાવ્યા હતા. સંઘર્ષ કરી રહેલા બંને ટીમોએ આજે તેમની ટીમમાં એક-એક ફેરફાર કર્યો હતો. જોકે, ચેન્નઈએ એક આશ્ચર્યજનક ર્નિણય લીધો હતો અને તેણે અનુભવી ઓપનર શેન વોટસનના સ્થાને સેમ કરનને ફાફ ડુ પ્લેસિસ સાથે ઓપનિંગમાં મોકલ્યો હતો. જ્યારે વોટસન ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી ન હતી

ડુપ્લેસિસ ખાતુ ખોલાવ્યા વગર પ્રથમ બોલ પર જ પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં સેમ કરન અને વોટસને બાજી સંભાળી હતી. કરને આક્રમક બેટિંગ કરતા ૨૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૩૧ રની ઈનિંગ્સ રમી હતી. બાદમાં વોટસન અને રાયડુએ શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી. વોટસને ૩૮ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૪૨ રન ફટકાર્યા હતા.

જ્યારે રાયડુએ ૩૪ બોલમાં ૪૧ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. અંતિમ ઓવર્સમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ આક્રમક બેટિંગ કરીને રન ગતિ ઝડપી બનાવી હતી. ધોનીએ ૧૩ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા જેમાં તેણે બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે જાડેજાએ ૧૦ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.